વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આગામી 19 અને 20 મીએ મુંબઈમાં યુએઈના વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહ્યાનનું સ્વાગત કરશે. આજે બપોરે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, યુએઈના વિદેશ મંત્રીની મુલાકાત ભારત-યુએઈ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ દ્વિપક્ષીય સહયોગના તમામ પાસાઓની સમીક્ષા કરવાની તક હશે.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વિદેશ મંત્રી આ મહિનાની 20મી તારીખે મુંબઈમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે પણ વાતચીત કરશે. ડૉ. જયશંકર અમેરિકાની સ્વતંત્રતાની 250મી વર્ષગાંઠની ઉજવણીમાં અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે. શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે, ચર્ચામાં દ્વિપક્ષીય સહયોગના મુખ્ય ક્ષેત્રો, જેમાં ઊર્જા, વેપાર અને રોકાણ, સંરક્ષણ, મહત્વપૂર્ણ અને ઉભરતી ટેકનોલોજી અને પરસ્પર હિતના અન્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે, તેવી અપેક્ષા છે. બંને પક્ષો પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કરશે.