ઓગસ્ટ 17, 2026 6:55 પી એમ(PM)

printer

યુવાનો નશાથી દૂર રહી રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપે : ડૉ. મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી

રાજકોટ જિલ્લાના ડુમિયાણી ખાતે પીપલ્સ વેલફેર સોસાયટી સંચાલિત બી.આર.એસ. કોલેજમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની અધ્યક્ષતામાં ‘યુવા કનેક્ટ’ કાર્યક્રમ યોજાયો હતો. નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત વિષય પર આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ યુવાનોને નશામુક્ત રહીને શિક્ષણ અને રાષ્ટ્રપ્રેમના માર્ગે આગળ વધવા આહવાન કર્યું હતું.

શિક્ષણથી જ સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમનું ઘડતર

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે, આવનારો સમય બુનિયાદી શિક્ષણનો હશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, શિક્ષણથી જ સંસ્કારનું ઘડતર થાય છે અને સંસ્કારોથી જ વ્યક્તિમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વિકસે છે. મંત્રીએ યુવાનોને માત્ર ડિગ્રી મેળવવા પૂરતું શિક્ષણ લેવાને બદલે જીવનમૂલ્યોને આત્મસાત કરવા અપીલ કરી હતી. સાથે જ નશાથી દૂર રહીને પોતાની ઊર્જા અને સમયનો ઉપયોગ કૌશલ્ય વિકાસ, રમતગમત તેમજ રાષ્ટ્રનિર્માણમાં કરવા માર્ગદર્શન આપ્યું હતું.

‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના અને ઉત્કૃષ્ટ ખેલાડીઓનું સન્માન

મંત્રીશ્રીએ યુવાનોમાં સ્વચ્છતા, સ્વાવલંબન અને ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના સાથે શ્રમ પ્રત્યે ગૌરવ કેળવવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, તેમણે વિદ્યાર્થીઓ દ્વારા પૂછાયેલા વિવિધ પ્રશ્નોના સંતોષકારક અને પ્રેરણાદાયી જવાબો આપ્યા હતા. આ પ્રસંગે માતૃશ્રી વી.બી.એમ. ઉત્તર બુનિયાદી વિદ્યાલયના અંડર-19 જિલ્લા કક્ષાના ચેમ્પિયન રમતવીરો તથા રાજ્ય કક્ષાએ પસંદગી પામેલી 4 વિદ્યાર્થિનીઓનું મંત્રીના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

સંસ્થાના આદ્ય સ્થાપકની સ્મૃતિમાં વૃક્ષારોપણ

કાર્યક્રમના પ્રારંભે ડૉ. માંડવિયા દ્વારા સંસ્થાના આદ્ય સ્થાપક, પૂર્વ સાંસદ અને પૂર્વ શિક્ષણમંત્રી સ્વ. બળવંતરાય મણવરના સ્મરણાર્થે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે કોલેજના રમતગમત મેદાનનું નિરીક્ષણ કર્યું હતું અને સ્વ. મણવરના પરિવારજનો સાથે શુભેચ્છા મુલાકાત પણ કરી હતી.

700 થી વધુ વિદ્યાર્થીઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિ

આ પ્રેરણાદાયક કાર્યક્રમમાં 700 થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. આ પ્રસંગે રાજકોટ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ભારતીબેન હુંબલ, ઉપલેટા તાલુકા પંચાયત પ્રમુખ રવિભાઈ વિરડા, જિલ્લા અગ્રણી રવિભાઈ માકડિયા, મયંકભાઈ ધીંગાણી, ડુમિયાણી સરપંચ મજબૂતભાઈ હુંબલ, કોલેજના પ્રિન્સિપાલ ડૉ. ઘનશ્યામસિંહ ગોહિલ અને પીપલ્સ વેલફેર સોસાયટીના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. ઉર્વશીબેન ખાનપરા સહિતના પ્રોફેસરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.