ઓગસ્ટ 21, 2026 3:11 પી એમ(PM)

printer

મહિલા તબીબ સાથે ગેરવર્તણૂક કેસમાં આરોપી તબીબની અટકાયત, આરોગ્ય મંત્રીએ આપી ન્યાયની ખાતરી

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક જુનિયર મહિલા તબીબ સાથે કથિત ગેરવર્તણૂકની ઘટના સામે આવતા ભારે રોષ જોવા મળ્યો હતો. જોકે, આ ગંભીર ઘટનાની રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે નોંધ લીધી છે. આરોગ્ય મંત્રીના સીધા હસ્તક્ષેપ બાદ આરોપી તબીબની અટકાયત કરી લેવામાં આવી છે અને સમગ્ર મામલે કડક કાયદાકીય કાર્યવાહી શરૂ કરી કરાઈ છે.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પીડિતા સાથે ટેલિફોનિક વાતચીત કરી

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બનેલી મહિલા તબીબ સાથેની ગેરવર્તણૂકની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. ઘટનાની જાણ થતાં જ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક પીડિત મહિલા તબીબ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. મંત્રીએ મહિલા ડૉક્ટરની રજૂઆત શાંતિપૂર્વક સાંભળીને તેમને સાંજ સુધીમાં ત્વરિત ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. આ સાથે જ તેમણે પીડિતાને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવાનો પણ દ્રઢ ભરોસો આપ્યો હતો.

‘મહિલાઓના સન્માન સાથે કોઈ જ સમાધાન નહીં થાય’

આ ઘટના અંગે સરકારનું વલણ સ્પષ્ટ કરતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં મહિલા કર્મચારીઓ અને તબીબોના ગૌરવ તેમજ સન્માન સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. કામના સ્થળે મહિલાઓની સુરક્ષા સરકારની પ્રાથમિકતા છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, આવી ગેરવર્તણૂકના કિસ્સાઓમાં દોષિત ઠરનાર વ્યક્તિ સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે, જેથી ભવિષ્યમાં કોઈ આવી હરકત કરતા પહેલા વિચાર કરે.

આરોપી તબીબની અટકાયત અને સઘન પોલીસ તપાસ શરૂ

સરકારની આ કડક સૂચના અને ખાતરીને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ ત્વરિત હરકતમાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, જુનિયર મહિલા તબીબ સાથે કથિત ગેરવર્તણૂક કરનારા આરોપી તબીબની તાત્કાલિક અટકાયત કરી લેવામાં આવી છે. હાલમાં આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.