આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કના ચેરમેન પ્રિન્સ રહીમ આગા ખાન V એ ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન ગુજરાત સરકાર અને AKDN વચ્ચે સસ્ટેનેબલ, સમાવેશી અને માનવકેન્દ્રી વિકાસ માટે તેમજ ગ્રાસરૂટ લેવલ પર સહયોગની નવી તકો અંગે સકારાત્મક અને ફળદાયી ચર્ચા થઈ હતી.
પર્યાવરણ અને જળ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓ
મુખ્યમંત્રીએ પ્રિન્સ રહીમ આગા ખાન V નું સ્વાગત કરતાં રાજ્યમાં જળ સંરક્ષણ માટે હાથ ધરાયેલા કાર્યોની વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે વોટર કન્ઝર્વેશન, રેઇનવોટર હાર્વેસ્ટિંગ અને જળાશયોના પુનઃસજીવનના પ્રયાસોને ગુજરાતમાં જનઆંદોલનનું સ્વરૂપ મળ્યું છે. આ ઉપરાંત, સોલાર એનર્જી ક્ષેત્રે ગુજરાતની ઇન્સ્ટોલ્ડ કેપેસિટી 34880 મેગાવોટ સુધી પહોંચી છે અને ‘પી.એમ. સૂર્ય ઘર મફત વીજળી યોજના’ હેઠળ 10 લાખના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 8.39 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત થઈ ચૂકી છે.
પ્રાકૃતિક ખેતી, મિલેટ અને સહકાર મોડલ પર વિશેષ ભાર
બેઠક દરમિયાન મિલેટ્સ અને પ્રાકૃતિક ખેતી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકારે મિલેટના વાવેતર અને પ્રોસેસિંગને પ્રોત્સાહન આપવા ‘મિલેટ ડેવલપમેન્ટ સ્કીમ’ અમલમાં મૂકી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. વધુમાં, સહકાર ક્ષેત્રના વ્યાપક મોડલની વિગતો આપતા તેમણે કહ્યું કે ગુજરાતમાં 87000 થી વધુ સહકારી મંડળીઓ કાર્યરત છે અને પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ (PACS) ને ગામડાઓમાં ‘નાની કોર્પોરેટ કંપની’ તરીકે વિકસાવવામાં આવી રહી છે.
મહિલા સશક્તિકરણ અને ગ્રાસરૂટ લેવલે સહયોગની તત્પરતા
મહિલા સ્વાવલંબન ઈકોસિસ્ટમ અંતર્ગત હજારો મહિલાઓને માઇક્રો-એન્ટરપ્રાઇઝ સ્થાપી આર્થિક રીતે સક્ષમ બનાવવા અપાતી તાલીમ અંગે પણ મુખ્યમંત્રીએ માહિતી આપી હતી. ગુજરાતની આ વિકાસલક્ષી કામગીરીથી પ્રભાવિત થઈને પ્રિન્સ રહીમ આગા ખાને રાજ્ય સરકાર સાથે જળ સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી, મિલેટ અન્ન અને મહિલા સ્વસહાય જૂથોના વિકાસ માટે ગ્રાસરૂટ લેવલે સહયોગ વધુ સંગીન કરવાની તત્પરતા દર્શાવી હતી.
આ મહત્વપૂર્ણ મુલાકાત વેળાએ ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા અને મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.