ઓગસ્ટ 19, 2026 4:51 પી એમ(PM)

printer

ન બનેલી ટાંકીના 50 લાખનું બિલ રજૂ થતાં આરોગ્ય મંત્રીએ 2 ઇજનેર સસ્પેન્ડ કર્યા

રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પાલીતાણા હોસ્પિટલની મુલાકાત દરમિયાન હોસ્પિટલ પરિસરમાં 2.55 લાખ લીટરની ક્ષમતાવાળી ભૂગર્ભ પાણીની ટાંકી સ્થળ પર ન હોવા છતાં તેનું 50.43 લાખ રૂપિયાનું બિલ મંજૂરી અર્થે વડી કચેરીમાં રજૂ કરવામાં આવ્યું હોવાનું ધ્યાને આવતા મંત્રીએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.

સ્થળ પર ટાંકી જ નહોતી, છતાં 50.43 લાખનું બિલ રજૂ કરાયું

રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તાજેતરમાં પાલીતાણા હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમના ધ્યાનમાં આવ્યું કે હોસ્પિટલ માટે મંજૂર થયેલી 2.55 લાખ લીટરની ભૂગર્ભ પાણીની ટાંકીનું કામ સ્થળ પર થયું જ નથી. જોકે, સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે ટાંકીનું અસ્તિત્વ ન હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા રૂપિયા 50.43 લાખનું બિલ વડી કચેરીમાં મંજૂરી માટે રજૂ કરી દેવામાં આવ્યું હતું. આ ગંભીર ગેરરીતિ પકડાતા મંત્રીએ તાત્કાલિક પ્રોજેક્ટ ઈમ્પ્લિમેન્ટેશન યુનિટના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજી હતી.

બે ઈજનેરો સામે પોલીસ ફરિયાદ અને સસ્પેન્શનનો આદેશ

આ કૌભાંડમાં સંડોવાયેલા અને કામગીરી પૂર્ણ થયા વિના બિલ રજૂ કરનાર બે જવાબદાર અધિકારીઓ સામે મંત્રીએ આકરા પગલાં લીધા છે. ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર મેહુલ દવે અને નાયબ કાર્યપાલક ઈજનેર એન.વી. કાલીયા સામે તાત્કાલિક અસરથી પોલીસ ફરિયાદ નોંધાવવા અને બંનેને સસ્પેન્ડ કરવાની કડક સૂચના આપવામાં આવી છે.

સુરતની ધર્મનંદન કન્સ્ટ્રક્શન કંપની થશે બ્લેકલિસ્ટ

સરકારી નાણાંની ઉચાપત કરવાના આ પ્રયાસમાં સંડોવાયેલી એજન્સી ‘ધર્મનંદન કન્સ્ટ્રક્શન-સુરત’ ને કાયમી ધોરણે બ્લેકલિસ્ટ કરવા માટે પણ આરોગ્ય મંત્રીએ PIU ના અધિકારીઓને આદેશ આપ્યો છે.

ભ્રષ્ટાચાર સાંખી નહીં લેવાય: મંત્રી પ્રફુલ પાનશેરીયા

આ સમગ્ર મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યની આરોગ્ય સેવાઓ માટે ફાળવવામાં આવતા જાહેર નાણાંના ઉપયોગમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ, બેદરકારી કે અનિયમિતતા ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જનતાના નાણાંનો દુરુપયોગ ન થાય અને વિકાસકાર્યો ગુણવત્તાપૂર્વક સ્થળ પર થાય તે સુનિશ્ચિત કરવું એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.