ઓગસ્ટ 24, 2026 4:58 પી એમ(PM)

printer

સુરતના પી. પી. સવાણી ગ્રુપની અનોખી પહેલ: સરહદના જવાનો માટે 30,000 થી વધુ રાખડીઓ મોકલી

દેશની સુરક્ષા કાજે સરહદો પર દિવસ-રાત અડીખમ રહેતા વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા સુરતના પી. પી. સવાણી ગ્રુપ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. સંસ્થા દ્વારા શરૂ કરાયેલા ‘રાષ્ટ્ર રક્ષા સૂત્ર’ અભિયાન હેઠળ સુરતથી 30,000 થી વધુ રાખડીઓ દેશના સૈનિકો માટે સરહદ પર રવાના કરવામાં આવી છે.

‘રાષ્ટ્ર રક્ષા સૂત્ર’ થકી જવાનોને વિશેષ સન્માન

રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે સરહદ પર ફરજ બજાવતા જવાનો માટે પી. પી. સવાણી ગ્રુપના ચેરમેન વલ્લભભાઈ સવાણી અને મહેશભાઈ સવાણીની પ્રેરણાથી આ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દેશની સુરક્ષા કરતા સૈનિકોના કાંડે રક્ષાકવચ બાંધી તેમની સેવાને બિરદાવવાનો છે. આ અભિયાન અંતર્ગત 30,000 થી વધુ રાખડીઓ તૈયાર કરી સૈનિકોને મોકલવામાં આવી છે.

વિદ્યાર્થિનીઓ દ્વારા પોતાના હાથે તૈયાર કરાઈ રાખડીઓ

આ ભગીરથ કાર્યમાં પી. પી. સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સની મેનેજમેન્ટ ટીમ, શિક્ષકગણ અને ખાસ કરીને વિદ્યાર્થિનીઓએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ તમામ રાખડીઓ બાળકીઓ દ્વારા પોતાના નાનાં હાથોથી કલાત્મક રીતે તૈયાર કરવામાં આવી છે. આ સ્વનિર્મિત રાખડીઓમાં દેશ માટે કંઈક કરી છૂટવાની દેશભક્તિની ભાવના અને સૈનિક ભાઈઓ પ્રત્યેનો અતૂટ સ્નેહ સ્પષ્ટપણે જોવા મળે છે.

યુવા પેઢી અને સરહદના જવાનો વચ્ચે રચાયો સ્નેહનો સેતુ

શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત, પી. પી. સવાણી યુનિવર્સિટીના યુવા વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા પણ સંપૂર્ણ દેશભક્તિના ભાવ સાથે વિશેષ રાખડીઓ તૈયાર કરીને આ અભિયાનમાં અર્પણ કરવામાં આવી છે. સંસ્થાનો આ પ્રયાસ દેશની યુવા પેઢી અને સરહદ પર તૈનાત જવાનો વચ્ચે આદર અને સ્નેહનો એક પવિત્ર સેતુ રચવા માટેનો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.