પોરબંદર ખાતે આજે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને ‘વિશ્વ સિંહ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં સિંહોની વધતી સંખ્યા અને વન્યજીવ સંરક્ષણ અંગે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. લોકભાગીદારી અને સરકારના પ્રયાસોથી હાલમાં રાજ્યમાં સિંહોની સંખ્યા 891 પર પહોંચી છે.
143 વર્ષ બાદ બરડામાં સિંહોનો વસવાટ: નવો સફારી પાર્ક બનશે
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ પ્રસંગે જણાવ્યું કે, ગીર બાદ હવે બરડા ડુંગર સિંહોનું બીજું ઘર બની રહ્યું છે. 143 વર્ષના લાંબા સમયગાળા બાદ બરડા અભયારણ્યમાં સિંહોએ કુદરતી રીતે વસવાટ શરૂ કર્યો છે અને હાલ ત્યાં 26 સિંહોનો પરિવાર વસે છે. આગામી સમયમાં બરડામાં 270 હેક્ટર વિસ્તારમાં નવો સફારી પાર્ક બનાવવાનું આયોજન છે. આ ઉપરાંત મોકર સાગર અને મેઢાક્રીકને પણ પક્ષી અભયારણ્ય તરીકે વિકસાવવાની કામગીરી ચાલી રહી છે.
સિંહોનું સંરક્ષણ એ સમગ્ર ઇકોસિસ્ટમને બચાવવાનો સંકલ્પ: મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલી સંબોધન કરતા જણાવ્યું હતું કે, સિંહોના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનિક લોકોનો મોટો ફાળો છે. લોકો અને સિંહો વચ્ચે સહઅસ્તિત્વ મજબૂત બનતા સિંહોનો વિચરણ વિસ્તાર 3 જિલ્લાથી વધીને 11 જિલ્લાઓ સુધી વિસ્તર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, “સિંહોનું સંરક્ષણ માત્ર સંખ્યા વધારવાનો કાર્યક્રમ નથી, પરંતુ સમગ્ર ઇકોસિસ્ટમને સુરક્ષિત રાખવાનો સંકલ્પ છે.” રાજ્ય સરકાર ‘પ્રોજેક્ટ લાયન’ થકી પર્યાવરણ અને વિકાસ વચ્ચે સંતુલન જાળવી રહી છે.
વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને રેસ્ક્યુ વાહનોનું પ્રસ્થાન
આ કાર્યક્રમ દરમિયાન મંત્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે વન વિભાગ માટેના નવા પેટ્રોલિંગ બાઈક અને રેસ્ક્યુ વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ સાથે જ નવનિર્મિત વન અધિકારી કચેરી અને સ્ટાફના આવાસોનું લોકાર્પણ તથા જૂનાગઢ વન્યપ્રાણી વર્તુળના વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં વન્યજીવ સંરક્ષણ અને જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા હતા.