પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે મન કી બાતને 12 વર્ષ પૂર્ણ થયા છે અને આ યાત્રા તેમના માટે તીર્થયાત્રા જેવી લાગી રહી છે. આકાશવાણી પર તેમના મન કી બાત કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધતા પ્રધાનમંત્રીએ નોંધ્યું કે મન કી બાત 12 વર્ષ પહેલા વિજયાદશમીના શુભ પ્રસંગે શરૂ થઈ હતી. ત્યારથી, આ યાત્રા અવિરત ચાલી રહી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે મન કી બાતના શ્રોતાઓ તેમના સાથી પ્રવાસી અને માર્ગદર્શક બંને છે. તેમણે વધુમાં કહ્યું કે મન કી બાત એ રાષ્ટ્રના સામાન્ય લોકોની મહેનત, બહાદુરી, પ્રતિબદ્ધતા, સમર્પણ અને સેવાની ભાવનાને ગર્વથી ઉજવવાનો શુભ અવસર રહ્યો છે.
પ્રધાનમંત્રી મોદીએ પંજાબમાં ચાલી રહેલી એક પહેલ પર પ્રકાશ પાડ્યો. ‘ખેતી વિરાસત મિશન’ નામની સંસ્થાએ ઓર્ગેનિક ખેતી અને પરંપરાગત કૃષિ પદ્ધતિઓમાં નવું જીવન ફૂંકવાનું શરૂ કર્યું છે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું કે દિવાળી અને છઠ જેવા તહેવારો પહેલા ઘણી જગ્યાએ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે લોકો જ્યાં રહે છે ત્યાં સ્વચ્છતા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે ઉમેર્યું કે નાના, વ્યક્તિગત પ્રયાસો આસપાસના વાતાવરણમાં નોંધપાત્ર પરિવર્તન લાવી શકે છે.
પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી કે લોકો આ તહેવારોની મોસમ દરમિયાન ખરીદી કરતી વખતે સ્વદેશી ઉત્પાદનોને ખૂબ મહત્વ આપી રહ્યા છે. તેમણે ટિપ્પણી કરી કે ‘વોકલ ફોર લોકલ‘ ની આ ભાવના ભારતીય ઉત્પાદનોને વૈશ્વિક બજારોમાં લઈ જઈ રહી છે.
પ્રધાનમંત્રીએ ઇ સંજીવની દ્વારા નાગરિકોના થતાં આરોગ્ય વિષયક ફાયદાઓ અંગે પણ વાત કરી હતી.
શ્રી મોદીએ ખુશી વ્યક્ત કરી કે આ વર્ષે ગાંધી જયંતિ પર, ખાદી ગ્રામ ઉદ્યોગના ઉત્પાદનોનું વેચાણ એક જ દિવસમાં 28 કરોડ રૂપિયાને વટાવી ગયું છે. ગયા વર્ષની સરખામણીમાં આ 1.5 કરોડ રૂપિયાનો વધારો છે.
તેમણે કહ્યું કે ખાદીની લોકપ્રિયતા સતત વધી રહી છે, અને તેનો લાભ ખાદી અને વિવિધ હસ્તકલાને જીવંત બનાવનારા લોકો સુધી પહોંચી રહ્યો છે.