પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એકતાનગર ખાતે ભારત પર્વ 2026નો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ભારત પર્વમાં વિવિધ સ્ટોલધારકો સાથે સંવાદ કર્યો. ભારતના સાંસ્કૃતિક વારસા અને રાષ્ટ્રીય એકતાની ઉજવણી તરીકે તથા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાના પ્રતિક સમાન આ મહોત્સવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમની વિશિષ્ટ પરંપરાઓ, લોક પ્રદર્શનો, પ્રાદેશિક વાનગીઓ, હસ્તકળા અને પ્રવાસન આકર્ષણો પ્રદર્શિત કરવા માટે એક મંચ આપશે.
આગામી 15 નવેમ્બર સુધી યોજનારા આ મહોત્સવથી એકતાનગર અને આસપાસના સ્થળોએ પ્રવાસનને વેગ મળવાની અપેક્ષા છે. સાથે જ પ્રધાનમંત્રી નર્મદા મહાઆરતીમાં પણ સહભાગી થશે. ઉપરાંત પ્રધાનમંત્રી ભારતની એકતા, વિવિધતા, સાંસ્કૃતિક વારસા અને પ્રગતિની ઉજવણી કરતા એકતા પ્રકાશ પર્વમાં સહભાગી થશે. ‘પ્રાચીન ભારતથી આધુનિક ભારત’ વિષયવસ્તુ પર આધારિત 530 મીટર લાંબો વેલી ઓફ ફ્લાવર્સ રોડ ઇલ્યુમિનેશન ભારતની રાષ્ટ્રીય ઓળખ, સભ્યતા, મહિલા સશક્તિકરણ, સુરક્ષા દળો, ટેકનોલોજી, યોગ અને બાળકો માટેનું કાલ્પનિક વિશ્વ દર્શાવે છે.