ઓક્ટોબર 30, 2026 7:59 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનાસકાંઠામાં 14 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને વિકસિત ભારતના સૌથી મજબૂત સ્તંભોમાંથી એક ગણાવ્યા. બનાસકાંઠાના ભીલડી ખાતેથી રાજ્યના 14 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ ખાટલાસભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ખાતરની કિંમતમાં મોટો ઉછાળો આવ્યો, પરંતુ અમે તેનો બોજ ખેડૂતો પર પડવા ન દીધો. શ્રી મોદીએ કહ્યું, તેમની સરકારે ન્યૂનતમ ટેકાના ભાવ – MSPનો વાયદો પૂરો કર્યો છે.

આ પ્રસંગે શ્રી મોદીએ પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણીની નિમિત્તે રાજ્યના 50 લાખથી વધુ ખેડૂતો સહિત દેશભરના ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 24-મો હપ્તો જમા કરાવ્યો.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ 127 એકરમાં તૈયાર કરાયેલા બનાસ ડેરીના ભારત ગૌવંશ સંવર્ધન અને સંશોધન કેન્દ્રનું લોકાર્પણ કર્યું. તેમણે આ કેન્દ્ર રાષ્ટ્રીય ગોકુળ મિશનને વધુ મજબૂત બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

શ્રી મોદીએ કહ્યું, બનાસકાંઠાનું મધ મધ ઉત્પાદનમાં નવો વિક્રમ બનાવી રહ્યું છે. તેમણે બનાસકાંઠાના લોકોને મધુર ક્રાંતિ શરૂ કરવા પણ આહ્વાન કર્યું.આ પ્રસંગે શ્રી મોદીએ આવતીકાલે સરદાર પટેલની 151-મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અને રન ફૉર યુનિટીમાં સહભાગી થવા સૌને અનુરોધ કર્યો.

શ્રી મોદીએ બનાસકાંઠાની સ્થાનિક મહિલાઓ સાથે સંવાદ કરી તેમના અનુભવ જાણ્યા. તેમણે બનાસકાંઠાથી વર્ચ્યૂઅલ માધ્યમથી રાધનપુર અને થરાદના બનાસ બાયો સીએનજી પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું. સાથે જ પ્રધાનમંત્રીએ ચાર માર્ગીય અમદાવાદ-મહેસાણા રોડ – રાજમાર્ગ 41નું વિસ્તરણ કરીને આઠ માર્ગીય નિર્માણ કાર્યનું ઇ-ખાતમુહૂર્ત કર્યું. શ્રી મોદીએ બનાસકાંઠાથી વર્ચ્યૂઅલ માધ્યમથી અમદાવાદ મેટ્રો રેલ પરિયોજનાના બીજા તબક્કાના 2-બી ગિફ્ટ સિટીથી શાહપુર અને 2એ કોટેશ્વર રોડથી એરપોર્ટ સુધીના વિસ્તરણનાં કામનું ઈ ખાતમુહૂર્ત કર્યું. શ્રી મોદીએ બનાસકાંઠાના સણાદર ખાતે બટાકા પ્રસંસ્કરણ પ્લાન્ટની ક્ષમતાના વિસ્તરણ તેમજ સ્વચાલિત સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ પ્રણાલી – ASRSનું લોકાર્પણ કર્યું.

શ્રી મોદીએ 4 હજાર 362 આંગણવાડી કેન્દ્રનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તેમણે બનાસકાંઠાથી વર્ચ્યૂઅલ માધ્યમથી અમદાવાદ સાબરમતી – વારાણસી એક્સપ્રેસ બેચરાજીથી નવી ટ્રેન સેવા અને ગુજરાત, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશને જોડતી અમદાવાદ સાબરમતી વારાણસી એક્સપ્રેસ ટ્રેન સેવાનો પ્રારંભ પણ કરાવ્યો.