વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે સરકારનું ઈ-માર્કેટપ્લેસ જેમ પોર્ટલ, યોગ્ય ગુણવત્તા, યોગ્ય કિંમત અને યોગ્ય સમયે યોગ્ય ઉત્પાદનની ખરીદી દર્શાવે છે. શ્રી ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં જેમ પોર્ટલના 10મા સ્થાપના દિવસ નિમિત્તે બોલતા જણાવ્યું હતું કે જેમની શરૂઆત પહેલા સરકારી ભંડોળનો દુરુપયોગ થતો હતો, ખરીદીમાં પારદર્શિતાનો અને સુશાસનનો અભાવ હતો.
તેમણે કહ્યું કે જેમ પોર્ટલ દ્વારા આપવામાં આવેલા 30 કરોડથી વધુ ઓર્ડરથી 20 લાખ કરોડથી વધુ મૂલ્યના માલ અને સેવાઓની ખરીદી સરળ બની છે. તેમણે જણાવ્યું હતું કે પ્રથમ આઠ વર્ષમાં 10 લાખ કરોડની ખરીદી કરવામાં આવી હતી, જ્યારે 10 લાખ કરોડની ખરીદી ફક્ત બે વર્ષમાં કરવામાં આવી હતી. મંત્રીએ જણાવ્યું કે બે લાખ 25 હજારથી વધુ મહિલા નેતૃત્વવાળા સાહસોને પોર્ટલ દ્વારા આશરે એક લાખ કરોડના ઓર્ડર મળ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે 42 હજારથી વધુ સ્ટાર્ટ-અપ્સે સરકારી સાહસો સાથે આશરે 66 હજાર કરોડનો વ્યવસાય કર્યો છે. શ્રી ગોયલે જણાવ્યું હતું કે જેમ પોર્ટલને ફરીથી ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે.
તેમણે ખરીદદારો અને વેચાણકર્તાઓને મદદ માટે એક ખાસ રાષ્ટ્રવ્યાપી પાંચ-અંકનો હેલ્પડેસ્ક શોર્ટ કોડ 1-4-5-5-0 જાહેર કર્યો.