ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ખાતે અદ્યતન ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને રિન્યુએબલ એનર્જી જેવા અત્યંત મહત્વપૂર્ણ વૈશ્વિક વિષયો પર ‘સમિટ ઓફ ધ ફ્યુચર: સિક્વન્સ 2026’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા સહિત દેશ-વિદેશના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને ભારતને 2047 સુધીમાં ટેકનોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવા માટે શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગોના સહયોગ પર વિશેષ ભાર મૂક્યો હતો.
ગુજરાતમાં આકાર લઈ રહ્યા છે 6 મહાકાય સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ
રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી તેમજ પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન’ (ISM) હેઠળ દેશભરમાં મંજૂર થયેલા કુલ 12 રોકાણ પ્રસ્તાવમાંથી 6 પ્લાન્ટ્સ માત્ર ગુજરાતમાં જ સ્થપાઈ રહ્યા છે. રાજ્યમાં ‘કેન્સ સેમિકોન’ અને ‘સીજી સેમી’ સહિતના મહાકાય પ્રોજેક્ટ્સ આગામી 1 વર્ષમાં ઉત્પાદન શરૂ કરે તેવી શક્યતા છે. વધુમાં, અમદાવાદ નજીક સાણંદમાં ‘ગુજરાત સ્પેસ પાર્ક’ પણ આકાર લઈ રહ્યો છે, જ્યાં ‘અઝિસ્ટા સ્પેસ’ દ્વારા નાના ઉપગ્રહોના નિર્માણની કામગીરી શરૂ કરાઈ છે. મંત્રીએ PDEU ખાતે ટૂંક સમયમાં ‘સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ક્લાઇમેટ એક્શન’ શરૂ કરવાની જાહેરાત પણ કરી હતી.
ભારત અને તાઇવાન વચ્ચે ટેકનોલોજીકલ ભાગીદારી વધુ મજબૂત બની
ભારતમાં તાઇવાનના પ્રતિનિધિ ડૉ. મુ-મિન ચેને જણાવ્યું હતું કે, ભારત અને તાઇવાન વચ્ચે ટેકનોલોજી અને વેપાર ક્ષેત્રે સહયોગ સતત વધી રહ્યો છે. વર્તમાન સમયમાં 350 જેટલી તાઇવાની કંપનીઓએ ભારતમાં 6 અબજ ડોલરથી વધુનું રોકાણ કરી 2 લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી છે. તેમણે ઉમેર્યું કે ગુજરાત હવે સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે એક પ્રમુખ રોકાણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા તાઇવાન હવે ભારતીય શૈક્ષણિક સંસ્થાઓ અને પ્રોફેસરો સાથે સંયુક્ત સંશોધન વધારવા માટે પ્રતિબદ્ધ છે.
‘વિકસિત ભારત 2047’ માટે એકેડેમિક્સ અને ઇન્ડસ્ટ્રીનું જોડાણ અનિવાર્ય
પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ પોતાના સંબોધનમાં સ્પષ્ટ કર્યું કે, ‘વિકસિત ભારત 2047’ નું સ્વપ્ન સાકાર કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગોએ સંયુક્ત રીતે કામ કરવું જ પડશે. આધુનિક યુગમાં ભારતે સેમિકન્ડક્ટર, ક્વોન્ટમ ટેકનોલોજી અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) માં આત્મનિર્ભર બનવાની તાતી જરૂરિયાત છે. PDEU ના ડાયરેક્ટર જનરલ ડૉ. એસ. સુંદર મનોહરને માહિતી આપતા જણાવ્યું કે, યુનિવર્સિટી વૈશ્વિક કંપની ‘માઇક્રોન’ સાથે મળીને સેમિકન્ડક્ટર મિશન હેઠળ અત્યાધુનિક ATMP તાલીમ સુવિધા શરૂ કરી રહી છે, જે શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેનું અંતર ઘટાડશે.
ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સેન્ટરનું લોન્ચિંગ અને મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર
આ સમિટ દરમિયાન અત્યાધુનિક ‘સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) – ક્વોન્ટમ કમ્પ્યુટિંગ’ નું સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શૈક્ષણિક અને ઔદ્યોગિક સહયોગ વધારવા માટે RIL, ONGC Green, NIPER-A, QpiAI સહિતની વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સમજૂતી કરારો (MoUs) નું આદાન-પ્રદાન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત સમિટમાં અમેરિકા, બ્રિટન, ઘાના અને મોઝામ્બિકના રાજદ્વારી પ્રતિનિધિઓ ઉપરાંત 50 થી વધુ અગ્રણી ઉદ્યોગપતિઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.