ભાવનગર જિલ્લાના પ્રસિદ્ધ જૈન તીર્થ પાલીતાણામાં શૈત્રુંજય પર્વત પર સિંહોની વધતી જતી હિલચાલને કારણે યાત્રાળુઓની સુરક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. ગાંધીનગર ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાની અધ્યક્ષતામાં જૈન સમાજના આગેવાનો સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ડ્રોન, વોચ ટાવર અને ટ્રેકિંગ સિસ્ટમથી સિંહો પર સતત નજર રાખીને સલામતી વ્યવસ્થા સઘન બનાવવાનો નિર્ણય લેવાયો છે.
ગાંધીનગરમાં જૈન આગેવાનો અને વન મંત્રી વચ્ચે યોજાઈ બેઠક
પાલીતાણાના પવિત્ર શૈત્રુંજય પર્વત પર છેલ્લા કેટલાક સમયથી એશિયાઈ સિંહોની હાજરી સતત જોવા મળી રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓને સુરક્ષિત કરવા માટે ગાંધીનગર ખાતે વન મંત્રી અર્જુન મોઢવાડીયા અને રાજ્ય મંત્રી પ્રવિણ માળીની ઉપસ્થિતિમાં આણંદજી કલ્યાણજી પેઢીના પ્રતિનિધિઓ સાથે એક ખાસ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને જૈન સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને સુરક્ષાના વિવિધ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી.
ડ્રોન ટેકનોલોજી અને સ્થાનિક યુવાનોની મદદથી સઘન મોનિટરિંગ
વન મંત્રી અર્જુન મોઢવાડીયાએ બેઠકમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ડ્રોન ટેકનોલોજીની મદદથી રાત-દિવસ સિંહોનું નિરીક્ષણ કરવામાં આવશે. આ ઉપરાંત, પર્વત પર 4 પ્રી-ફેબ્રિકેટેડ વોચ ટાવર અને 4 પ્રી-ફેબ્રિકેટેડ સેન્ટર કમ કેબિન ઊભા કરવામાં આવશે. સિંહોના ટ્રેકિંગ માટે હંગામી ધોરણે સ્થાનિક યુવાનોની ભરતી પણ કરાશે. સાથોસાથ, પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે યાત્રા માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવશે જેથી લોકોને ચાલવામાં સરળતા રહે.
શૈત્રુંજય પર્વતને ‘સાયલેન્ટ ઝોન’ જાહેર કરવા અંગે વિચારણા
વન વિભાગ દ્વારા જણાવાયું હતું કે, સિંહો અને અન્ય વન્યજીવોને ખલેલ ન પહોંચે તે માટે આ વિસ્તારને ‘સાયલેન્ટ ઝોન’ તરીકે જાહેર કરવાની વિચારણા ચાલી રહી છે. મંત્રીએ યાત્રાળુઓને અપીલ કરી હતી કે સિંહ પોતાની પ્રકૃતિ મુજબ સામેથી મનુષ્ય પર હુમલો કરતા નથી, પરંતુ રંજાડવાથી તેઓ હિંસક બની શકે છે. આથી, સુરક્ષાના ભાગરૂપે યાત્રાળુઓએ સૂર્યોદય પછી જ યાત્રા શરૂ કરવી અને સૂર્યાસ્ત પહેલાં પૂર્ણ કરી લેવી હિતાવહ છે.
જૈન સમાજ દ્વારા વન વિભાગની કામગીરીની પ્રશંસા
આણંદજી કલ્યાણજી પેઢીના આગેવાનોએ વન વિભાગ દ્વારા અગાઉ ફાગણ ફેરી દરમિયાન કરાયેલી સુરક્ષા વ્યવસ્થાની ભારે પ્રશંસા કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે યાત્રાળુઓ શિસ્ત અને શાંતિ જાળવે તે માટે સંસ્થા સતત આગ્રહ રાખે છે. આ બેઠકમાં ઉદ્યોગપતિ ડો. સુધીર મહેતા, ટ્રસ્ટી પાલભાઈ, વન વિભાગના અગ્ર સચિવ વિનોદ રાવ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.