પાકિસ્તાનના પંજાબ અને સિંધ પ્રાંતમાં થયેલા બે અલગ-અલગ ગોઝારા માર્ગ અકસ્માતોમાં 16 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 70 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. લગ્ન પ્રસંગમાં જઈ રહેલા લોકો અને પેસેન્જર બસને નડેલા આ અકસ્માતોને પગલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરી તમામ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પંજાબમાં ટ્રેક્ટર ટ્રોલી અને ટ્રેલર વચ્ચે ભયાનક ટક્કર
પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રથમ અકસ્માત પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સરદાર ગઢ વિસ્તારમાં સર્જાયો હતો. એક ટ્રેક્ટર ટ્રોલીમાં બેસીને કેટલાક મહેમાનો લગ્ન સમારંભમાં હાજરી આપવા જઈ રહ્યા હતા, તે જ સમયે પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રેલરે ટ્રોલીને જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં 7 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
સિંધમાં પેસેન્જર બસ ઝાડ સાથે અથડાઈ, 9 મુસાફરોના મોત
બીજી દુર્ઘટના સિંધ પ્રાંતના જેકોબાદ જિલ્લાના થલ શહેરમાં બની હતી. લાહોર તરફ જઈ રહેલી એક પેસેન્જર બસના ચાલકે વધુ પડતી ઝડપને કારણે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. પરિણામે, બસ રસ્તા પરથી ઉતરી ગઈ હતી અને એક મોટા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બસમાં સવાર 9 મુસાફરોના કરુણ મોત થયા હતા અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ઘાયલો હોસ્પિટલમાં દાખલ, 9 ની હાલત અત્યંત ગંભીર
બંને અકસ્માતોની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની સ્થાનિક હોસ્પિટલોમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા. તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર, પંજાબના અકસ્માતમાં 5 અને સિંધના અકસ્માતમાં 4 મળીને કુલ 9 લોકોની હાલત અત્યંત નાજુક અને ગંભીર હોવાનું જણાવાયું છે.