નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અમદાવાદને રાષ્ટ્રપતિ ભવન દ્વારા આગામી 15 ઓગસ્ટ 2026 ના રોજ ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટે પ્રતિષ્ઠિત મહેમાનોના સ્વાગત અર્થે ઔપચારિક આમંત્રણ કિટ ડિઝાઇન કરવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત છત્તીસગઢ, ગોવા, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની પરંપરાગત હસ્તકલાઓ અને પર્યાવરણ સંરક્ષણની પહેલોને અદભુત રીતે દર્શાવવામાં આવી છે.
4 રાજ્યોના 100 કારીગરો અને 220 વ્યક્તિઓનો સહયોગ માર્ચ 2026 થી શરૂ થયેલા આ પ્રોજેક્ટમાં NID અમદાવાદના ડિઝાઇનરો, સ્ટાફ અને વિદ્યાર્થીઓ સહિત 220 થી વધુ લોકો જોડાયા હતા. ટીમ દ્વારા 4 રાજ્યોમાં વ્યાપક પ્રવાસ ખેડીને 100 જેટલા કારીગરો સાથે સહયોગ કરવામાં આવ્યો હતો. 4 મહિનાની સઘન મહેનત બાદ, રાષ્ટ્રપતિ ભવનની ટીમના સીધા માર્ગદર્શન હેઠળ આ કિટને NID અમદાવાદ કેમ્પસમાં એસેમ્બલ કરવામાં આવી હતી.
પર્યાવરણ અને હસ્તકલાના સમન્વયથી તૈયાર થઈ કલાકૃતિઓ આમંત્રણ કિટમાં પર્યાવરણને ટકાઉ બનાવતી પ્રથાઓ અને સ્થાનિક હસ્તકલાઓનો સમન્વય જોવા મળે છે.
છત્તીસગઢ: પવિત્ર જંગલોનું રક્ષણ કરતી સમુદાય પ્રથા દર્શાવવા પિત્તળ અને બેલ-મેટલની લોસ્ટ-વેક્સ પદ્ધતિથી ઢોકરા કાસ્ટિંગનો ઉપયોગ કરાયો છે. સાથે જ, ઘડતર લોખંડની પિટવા કળામાંથી બનેલી ફ્રેમ અને બેલ સામેલ છે.
ગોવા: પેઇન્ટેડ ટાઇલ ‘અઝુલેજો’ કળા દ્વારા ગોવાના માછીમારો, ગ્રામીણ લેન્ડસ્કેપ્સ અને સમુદાય સંચાલિત દરિયાકાંઠાના વેટલેન્ડ રિક્લેમેશનની ખાઝાન સિસ્ટમ દર્શાવવામાં આવી છે.
મધ્ય પ્રદેશ: ભીલ કળાના માધ્યમથી સમુદાય દ્વારા દેશી બીજ જાળવણીની પ્રથા અને ધાર જિલ્લાના પ્રખ્યાત બ્લોક પ્રિન્ટેડ બાગ ફેબ્રિકનો ઉપયોગ પરબીડિયા માટે કરાયો છે.
મહારાષ્ટ્ર: વારલી કળા દ્વારા છત્રપતિ સંભાજીનગરમાં ખામ નદી પુનરુદ્ધાર પ્રોજેક્ટની ઝલક રજૂ કરવામાં આવી છે.
ચારેય રાજ્યોની કાપડ પરંપરાઓનો સંગમ: વિશેષ સ્ટોલ
રિસેપ્શનમાં મહેમાનોના સ્વાગત માટે એક વિશેષ હાથવણાટનો ઔપચારિક સ્ટોલ તૈયાર કરવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશના મહેશ્વરમાં વણાયેલા આ સ્ટોલમાં ચારેય રાજ્યોની કાપડ પરંપરાઓની ઝલક મળે છે. તેમાં મહારાષ્ટ્રની કરવત કાઠી સાડીની કિનાર, ગોવાની કુંબી સાડીની રુદ્રાક્ષ બોર્ડર, મહેશ્વરી કાંગરા ભાત અને છત્તીસગઢની પાનિકા પરંપરાની ચિંતા ચોક ભાતનો અદભુત સંગમ જોવા મળે છે. આ ઉપરાંત, બાહ્ય કવર (કેનવાસ બેગ) પર કોંકણ પ્રદેશની કાંવી કળામાંથી પ્રેરિત ભાત (મોટિફ) ડિઝાઇન કરવામાં આવી છે.
NID અમદાવાદના ડિરેક્ટર ડૉ. અશોક મંડલના નેતૃત્વમાં તૈયાર થયેલી આ કિટ ભારતની સમૃદ્ધ ભૌતિક સંસ્કૃતિ, સામૂહિક પ્રયાસ અને માસ્ટર કારીગરીની પ્રત્યક્ષ ઉજવણી સમાન છે.
બાઈટ : ડૉ. અશોક મંડલ, ડિરેક્ટર, NID અમદાવાદ