નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોથી આવેલા ભયાનક પૂર અને ભૂસ્ખલનને કારણે ભારે તારાજી સર્જાઈ છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 987 લોકોના મોત નીપજ્યા છે. દેશના 8 જેટલા પ્રભાવિત જિલ્લાઓમાં સુરક્ષા દળો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે. હજુ પણ હજારો લોકો લાપતા હોવાથી પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે અને મૃત્યુઆંકમાં વધારો થવાની આશંકા સેવાઈ રહી છે.
નદીઓના જળસ્તરમાં વધારો અને ખરાબ હવામાનનો પડકાર
અધિકારીઓએ આપેલી સત્તાવાર માહિતી મુજબ, સુરક્ષા દળોએ નેપાળના 8 અલગ-અલગ જિલ્લાઓમાંથી સર્ચ ઓપરેશન દરમિયાન વધુ મૃતદેહો બહાર કાઢ્યા છે, જેનાથી કુલ મૃત્યુઆંક વધીને 987 પર પહોંચી ગયો છે. હાલમાં કેટલાક જિલ્લાઓમાં નદીઓ ગાંડીતૂર બની છે અને પાણીના સ્તરમાં સતત ખતરનાક રીતે વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત, છૂટાછવાયા વરસાદ અને હવામાન વિભાગની નવા પૂરની ચેતવણી વચ્ચે બચાવકર્તાઓને કાટમાળ અને પૂરના પાણીમાં ફસાયેલા લોકોને શોધવા માટે ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
583 વિદેશીઓ સહિત 4000 લાપતા, 12000 નું સફળ રેસ્ક્યૂ
આપત્તિ વ્યવસ્થાપન અંગે કામ કરતી સરકારી સંસ્થા નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી (NDRRMA) ના આંકડા મુજબ, આ ભયાનક દુર્ઘટનામાં 583 વિદેશી નાગરિકો અને ફરજ પરના ઘણા સુરક્ષા કર્મચારીઓ સહિત લગભગ 4000 લોકો હજુ પણ ગુમ છે. તેમની ભાળ મેળવવા માટે તંત્ર રાત-દિવસ એક કરી રહ્યું છે. બીજી તરફ રાહતના સમાચાર એ છે કે બચાવ ટીમો દ્વારા અત્યાર સુધીમાં લગભગ 12000 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને તેમને અસ્થાયી રાહત છાવણીઓમાં ખસેડવામાં આવ્યા છે.