ભક્તિ અને શક્તિના મહાપર્વ નવરાત્રિના બીજા દિવસે આજે માઁ દુર્ગાનાં દ્વિતીય સ્વરૂપ માઁ બ્રહ્મચારિણીની પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે જણાવ્યું, માઁ બ્રહ્મચારિણી તપ, ત્યાગ, સદાચાર અને સંયમનું પ્રતીક છે. માઁ ભગવતી સૌના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવે અને કોઈ પણ કઠિન પરિસ્થિતિમાં અવિચળ રહીને સન્માર્ગે ચાલવાની શક્તિ તથા સંયમ પ્રદાન કરે તેવી પ્રાર્થના.
દરમિયાન અમરેલી શહેર અને જિલ્લામાં નવરાત્રિની ઉજવણી શરૂ થઈ. પહેલા નોરતે ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયા અને સાંસદ ભરત સુતરિયાએ માતાજીની આરતી ઉતારી દર્શન કર્યા હતા. બ્રાહ્મણ સોસાયટીના બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી વેકરિયા કાર્યકરો સાથે ગરબે ઘૂમ્યા હતા. તો, ફિલ્મ અભિનેતા વરુણ ધવન જામનગરમાં નવરાત્રિ મહોત્સવમાં લોકો સાથે ગરબે ઝૂમ્યા હતા.
ઉપરાંત ડાંગના મુખ્યમથક આહવામાં પોલીસ પરેડ મેદાનમાં સાર્વજનિક નવરાત્રિ મહોત્સવ યોજાયો, જેમાં ઘરેલું હિંસા અટકાવવા, મહિલા જાગૃતિ, મતદાન જાગૃતિ અભિયાન, બાળકોનું જાતીય શોષણ અટકાવવા જાગૃતિ, પ્રવાસીઓની સલામતી સહિતના મુદ્દે ખેલૈયાઓને માહિતી અપાઈ.
બીજી તરફ, ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા અંબાજી મંદિરમાં પહેલા નોરતે ભક્તોએ માતાજીના દર્શન કર્યાં. સાથે જ અંકલેશ્વરની ગોયા બજારમાં આવેલા પૌરાણિક નવદુર્ગા મંદિરમાં માતાજીની નવ દિવસ માટે વિધિવત્ સ્થાપના કરવામાં આવી.