દેશભરમાં આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી કરાશે. વર્ષ 1905માં આ જ દિવસે શરૂ થયેલા સ્વદેશી ચળવળની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. ઉજવણીનો હેતુ દેશના હાથશાળ વણકરોની કલાત્મકતા, કૌશલ્ય અને સમર્પણને બિરદાવવાનો છે.વસ્ત્ર મંત્રાલય દ્વારા આજે 12મા રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી માટે રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે એક રાષ્ટ્રીય સમારોહનું આયોજન કરાયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત લેશે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સમારોહમાં ત્રણ સંત કબીર હાથશાળ પુરસ્કાર અને 19 રાષ્ટ્રીય હાથશાળ પુરસ્કાર સહિત કુલ 22 પુરસ્કારો હાથશાળ વણકરોને તેમની કારીગરી, નવીનતા અને ભારતની હાથશાળ પરંપરાઓના સંરક્ષણમાં યોગદાન બદલ એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે દેશની સમૃદ્ધ અને વૈવિધ્યસભર હાથશાળ વણાટ પરંપરાઓની ઉજવણી કરતી ચાર સ્મારક ટપાલ ટિકિટો બહાર પાડવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો સંદેશના મધ્યમથી આજના દિવસને ઉત્સાહથી ઉજવવા નાગરિકોને અપીલ કરી છે.
હું આજે તમને આગ્રહપૂર્વક કહું છું કે ૭મી ઓગસ્ટ ‘હેન્ડલૂમ ડે’ (હાથશાળ દિવસ) છે. આપણે આ દિવસ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવો જોઈએ. નાના અને વંચિત પરિવારોમાં આર્થિક સમૃદ્ધિ લાવીને ‘આત્મનિર્ભર ભારત’નું નિર્માણ કરવું એ આપણું લક્ષ્ય છે. ચાલો આપણે પોતે હાથશાળ પર બનેલી કોઈ વસ્તુ ખરીદીએ, તેનો વીડિયો બનાવીએ અને તે વીડિયો દેશ-વિદેશમાં શેર કરીએ, જેથી વૈશ્વિક સમુદાય પણ આપણા વણકર ભાઈ-બહેનોની પ્રતિભા અને ક્ષમતાને જોઈ શકે.
Site Admin | ઓગસ્ટ 7, 2026 9:25 એ એમ (AM)
આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને હાથશાળની વસ્તુઓ અપનાવવા અપીલ કરી