પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, વૈશ્વિક ઉભરતા પડકારોના નવીન ઉકેલો શોધવાની ભારતના યુવાનો પાસે પ્રતિભા અને ક્ષમતા છે. ગઇકાલે ચેન્નાઈમાં જયગોપાલ ગરોડિયા હિન્દુ વિદ્યાલયના સુવર્ણ જયંતિ સમારોહમાં સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે વર્તમાન યુગ યુવા પેઢીનો છે. શ્રી મોદીએ નોંધ્યું કે યુવાનોના નવા વિચારો અને સખત મહેનત ભારત સહિત વિશ્વના ભવિષ્યને ઘડશે.
વૈશ્વિક સમસ્યાના નિરાકરણની સાથે, પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય એકતા અને તમિલ વારસા અંગે પણ પ્રકાશ પાડ્યો. શ્રી મોદીએ વિદ્યાર્થીઓને વિશાળ સ્વપ્ન જોવા, અલગ રીતે વિચારવા અને નિર્ભયતાથી કાર્ય કરવા અપીલ કરી. તેમણે કહ્યું 2047 સુધીમાં વિકસીત ભારતના વિઝનને સાકાર કરવા માટે યુવાનો કેન્દ્રસ્થાને છે.
પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો કે આધુનિક નવીનતાને તેમના સાંસ્કૃતિક વારસા સાથે સઘન રીતે જોડીને તેને સંતુલિત કરીને, યુવા નેતાઓ વૈશ્વિક મંચ પર ઓળખ મેળવીને એક પ્રગતિશીલ, આત્મનિર્ભર રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે.