સપ્ટેમ્બર 30, 2026 6:50 પી એમ(PM)

printer

નળસરોવરમાં કચરામાંથી કમાણી: JICA ના સહયોગથી નવતર પહેલ

યાયાવર પક્ષીઓના સ્વર્ગ સમાન આંતરરાષ્ટ્રીય રામસર સાઇટ નળસરોવરને પ્લાસ્ટિકમુક્ત કરવા ગુજરાત સરકારે ‘JICA’ ના સહયોગથી એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલી આ પહેલથી પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટની સાથે સ્થાનિક પરિવારો માટે રોજીરોટીનું સશક્ત માધ્યમ ઊભું થયું છે.

2 જિલ્લાના 7 ગામો પ્રોજેક્ટ સાથે જોડાયા, કાયલામાં પ્રોસેસિંગ સેન્ટર 

નળસરોવરની જૈવવિવિધતા જાળવી રાખવા માટે શરૂ કરાયેલા આ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના કાયલા ગામે એક અત્યાધુનિક પ્લાસ્ટિક પ્રોસેસિંગ સેન્ટર સ્થાપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ સાથે અત્યાર સુધીમાં 2 જિલ્લાના કુલ 7 ગામો જોડાઈ ચૂક્યા છે. ઈકો-ડેવલપમેન્ટ કમિટીના સ્વચ્છતા પ્રહરીઓ ઘરે-ઘરે જઈને સૂકા પ્લાસ્ટિકના વર્ગીકરણ અંગે ગ્રામજનોમાં સઘન જાગૃતિ ફેલાવી રહ્યા છે.

વન વિભાગ દ્વારા પ્લાસ્ટિકની ખરીદીથી સ્થાનિકોને રોજગારી 

આ અભિયાન માત્ર સફાઈ પૂરતું સીમિત નથી, પરંતુ તે સ્થાનિકો માટે આજીવિકાનો સ્ત્રોત પણ બન્યું છે. ગામોમાંથી એકત્ર થતું પ્લાસ્ટિક વન વિભાગ દ્વારા નિયત ભાવે ખરીદવામાં આવે છે. જેનાથી સ્થાનિક પશુપાલકો અને શ્રમિકોને નિયમિત આવક પ્રાપ્ત થઈ રહી છે. અગાઉ જે પ્લાસ્ટિક કચરો ખુલ્લામાં સળગાવી દેવાતો હતો અને વાતાવરણને પ્રદૂષિત કરતો હતો, તે હવે વ્યવસ્થિત રીતે એકત્ર થઈને કાયલા સેન્ટર ખાતે પહોંચે છે.

આધુનિક રિસાયકલિંગ પ્રક્રિયા અને જૈવસૃષ્ટિનું રક્ષણ 

કાયલા સેન્ટર ખાતે પહોંચેલા પ્લાસ્ટિકનું શ્રેડિંગ સહિતનું આધુનિક પ્રોસેસિંગ કરીને તેને રિસાયકલ કરવામાં આવે છે અને ત્યારબાદ તેનું વેચાણ થાય છે. આ વૈજ્ઞાનિક નિકાલ પ્રક્રિયાના પરિણામે નળસરોવર અને તેની આસપાસના વિસ્તારોમાં પ્લાસ્ટિક જમા થવાની સમસ્યા કાયમ માટે અટકી ગઈ છે.