ઓગસ્ટ 8, 2026 4:06 પી એમ(PM)

printer

માલાબાર રિવર ઇન્ટરનેશનલ કાયકિંગ કોમ્પિટિશન 2026: જામનગરના નચિકેતા ગુપ્તા બન્યા ગોલ્ડન ચેમ્પિયન

08 ઓગસ્ટ 2026, જામનગર, શબ્દ ગુજરાત : સિંચાઈ વિભાગમાં વર્ગ-2 ના અધિકારી તરીકે ફરજ બજાવતા નચિકેતા ગુપ્તાએ એશિયાની પ્રતિષ્ઠિત ‘માલાબાર રિવર ઇન્ટરનેશનલ કાયકિંગ કોમ્પિટિશન-2026’ માં પ્રથમ સ્થાન મેળવીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ સાથે તેઓ આંતરરાષ્ટ્રીય વ્હાઇટ વોટર કાયકિંગ સ્પર્ધામાં ચેમ્પિયન બની ગોલ્ડ મેડલ જીતનાર સમગ્ર ગુજરાતના પ્રથમ કયાકર બની ગયા છે.
10 થી વધુ દેશોના ખેલાડીઓને આપી મ્હાત
કેરળના કોઝિકોડ જિલ્લાની ચાલીપુઝા અને ઇરુવાઝિંજી નદીઓના અત્યંત તીવ્ર અને ખતરનાક પ્રવાહમાં આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ભારત ઉપરાંત યુરોપ, અમેરિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિત 10 થી વધુ દેશોના શ્રેષ્ઠ કાયકરોએ ભાગ લીધો હતો. સ્પર્ધાની ‘બોટર ક્રોસ’ અને ‘ડાઉનરિવર રેસ’ જેવી કઠિન ઇવેન્ટ્સમાં નચિકેતા ગુપ્તાએ પોતાની ઉત્કૃષ્ટ ઝડપ, સંતુલન અને તકનીકી કૌશલ્યથી વિશ્વભરના સ્પર્ધકોને પાછળ છોડીને આ ઝળહળતી સફળતા મેળવી છે.
સરકારી ફરજની સાથે સાહસિક રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન
વિશ્વની અત્યંત પ્રતિષ્ઠિત રમત કાયકિંગમાં ‘વ્હાઇટ વોટર કાયકિંગ’ ને સૌથી વધુ સાહસિક અને જોખમી માનવામાં આવે છે. નચિકેતા ગુપ્તા જામનગરમાં સિંચાઈ વિભાગમાં આસિસ્ટન્ટ એન્જિનિયર વર્ગ-2 તરીકે પોતાની સરકારી ફરજ બજાવે છે. ફરજની જવાબદારીઓની સાથે કઠોર તાલીમ લઈને તેમણે આ આંતરરાષ્ટ્રીય મુકામ હાંસલ કર્યો છે. આ અગાઉ તેઓ સ્કીઇંગ, પેરાગ્લાઇડિંગ, સ્કાયડાઇવિંગ અને પર્વતારોહણ જેવી સાહસિક રમતોમાં પણ ગુજરાતનું સફળ પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.
વધુ યુવાનો સાહસિક રમત તરફ આગળ વધે તેવી ઈચ્છા પોતાની આ ઐતિહાસિક સફળતા અંગે ખુશી વ્યક્ત કરતા નચિકેતા ગુપ્તાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને ચેમ્પિયન બનવું એ મારા માટે અત્યંત ગૌરવની ક્ષણ છે. મારી ઈચ્છા છે કે આ સિદ્ધિથી પ્રેરિત થઈને ગુજરાતના વધુને વધુ યુવાનો વ્હાઇટ વોટર કાયકિંગ જેવી રોમાંચક અને સાહસિક રમતો તરફ આગળ વધે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.