મોરબી જિલ્લાના વીરપરડા ગામમાં છેલ્લા 5 દિવસથી એક કુવાનું પાણી અચાનક હાલકડોલક થતાં લોકોમાં ભારે આશ્ચર્ય અને ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, જિલ્લા વહીવટી તંત્ર અને ભૂસ્તરશાસ્ત્રીઓની ટીમે સ્થળ પર સઘન તપાસ કરીને સ્પષ્ટતા કરી છે કે આ માત્ર એક કુદરતી ઘટના છે અને તેને ભૂકંપ કે સિસ્મિક એક્ટિવિટી સાથે કોઈ જ સંબંધ નથી.
5 દિવસથી પાણી હલતા લોકોમાં ફેલાઈ હતી આશંકા
વીરપરડા ગામમાં ખેડૂત પ્રાણજીવન લિબાભાઈ સાદરિયાના ખેતરમાં આવેલા કુવામાં છેલ્લા 5 દિવસથી અજીબોગરીબ ઘટના જોવા મળી રહી હતી. કુવાનું પાણી અચાનક જ મોટા પ્રમાણમાં હાલકડોલક થવા લાગ્યું હતું. આ દ્રશ્યો જોઈને સ્થાનિક લોકોમાં ભૂકંપ આવવાની ચિંતા ફેલાઈ ગઈ હતી અને આસપાસના વિસ્તારોમાં કુતૂહલની સાથે સાથે અનેક અફવાઓએ પણ જોર પકડ્યું હતું.
ભૂસ્તરશાસ્ત્રી ટીમે તપાસ કરી આપ્યું વૈજ્ઞાનિક તારણ
લોકોમાં ફેલાયેલા ભયને પગલે મોરબીના ખાણ અને ખનીજ અધિકારી જી. એસ. વાઢેર તથા ભૂસ્તરશાસ્ત્રીઓની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. નિષ્ણાતો દ્વારા કુવાની ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ એવું તારણ આપવામાં આવ્યું છે કે, ભારે વરસાદને કારણે ભૂગર્ભ જળ રિચાર્જ થયું છે. જમીનની અંદર રહેલી જગ્યાઓમાં અચાનક નવું પાણી ભરાવાને કારણે હવાનું દબાણ ઊભું થયું છે. આ દબાણને કારણે હવા બહાર નીકળવાનો પ્રયાસ કરે છે, જેના સીધા પરિણામ સ્વરૂપે કુવાનું પાણી હલતું જોવા મળે છે.
ભૂકંપ સાથે કોઈ લેવાદેવા નથી, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
મોરબી જિલ્લા કલેક્ટર ડૉ. સ્વપ્નિલ ખરેએ આ મામલે સત્તાવાર સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોઈ સિસ્મિક ગતિવિધિ નોંધાઈ નથી, તેથી આ ઘટનાને ભૂકંપ સાથે કોઈ લેવાદેવા નથી. કલેક્ટરે લોકોને ખોટી અફવાઓથી દૂર રહેવા અને બિનજરૂરી ગભરાટ ન ફેલાવવા અપીલ કરી છે. જોકે, સાવચેતી અને સલામતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને હાલ પૂરતા આ કુવાની નજીક ન જવા અને તેનાથી સુરક્ષિત અંતર જાળવી રાખવા કડક સૂચના આપવામાં આવી છે.
તંત્ર અને નિષ્ણાતો દ્વારા અપાયેલી આ સ્પષ્ટતા બાદ વીરપરડા ગામના કુવા અંગે ચાલી રહેલા તમામ રહસ્યો અને અફવાઓનો અંત આવ્યો છે, જેનાથી ગ્રામજનોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.