ઓક્ટોબર 1, 2026 6:03 પી એમ(PM)

printer

મોરબી: મચ્છુ નદી કાંઠે પ્રભારી મંત્રીની હાજરીમાં સ્વચ્છતા અભિયાન

મોરબી શહેરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અને ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત મચ્છુ નદીના કાંઠે બેઠા પુલ પાસે એક વિશાળ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશમાં જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા સહિતના ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓએ જાતે શ્રમદાન કરીને નદી કાંઠાને કચરાથી મુક્ત કરી શહેરના લોકોને સ્વચ્છતાનો ઉત્તમ સંદેશ આપ્યો હતો.

પ્રભારી મંત્રી અને આગેવાનો દ્વારા સઘન સફાઈ 

મોરબીના ઐતિહાસિક બેઠા પુલ નજીક મચ્છુ નદીના કાંઠે યોજાયેલી આ સઘન સફાઈ ઝુંબેશમાં જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જાતે સફાઈ કામગીરીમાં જોડાઈને શ્રમદાન કર્યું હતું. આ ઝુંબેશમાં તેમની સાથે મોરબીના મેયર ઉત્તમ સુરાણી, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, જિલ્લા પોલીસ વડા (SP) મુકેશ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણી સહિતના અગ્રણીઓએ નદી કાંઠેથી ગંદકી અને પ્લાસ્ટિકનો કચરો દૂર કર્યો હતો.

‘સ્વચ્છતા દૈનિક જીવનશૈલીનો ભાગ બનવી જોઈએ’ 

આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ સ્પષ્ટ સંદેશ આપતા જણાવ્યું હતું કે, સ્વચ્છતા એ માત્ર કોઈ એક દિવસ પૂરતી સીમિત ઝુંબેશ ન રહેવી જોઈએ, પરંતુ તે દરેક નાગરિકની દૈનિક જીવનશૈલીનો એક અભિન્ન ભાગ બનવી જોઈએ. આ સફાઈ અભિયાનમાં શહેરના કોર્પોરેટરો, વિવિધ વિભાગના અધિકારીઓ, સામાજિક સંસ્થાઓના સ્વયંસેવકો અને સેવાભાવી નાગરિકોએ પણ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાઈને શ્રમદાન કર્યું હતું. સૌના સહિયારા પ્રયાસોથી જોતજોતામાં મચ્છુ નદીનો કાંઠા વિસ્તાર સ્વચ્છ અને રળિયામણો બની ગયો હતો.

મ્યુનિસિપલ કમિશનરનો નાગરિકોને અનુરોધ 

આ સફાઈ ઝુંબેશ દરમિયાન મોરબીના મ્યુનિસિપલ કમિશનર સંગીતાબેન રૈયાણીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા શહેરને સુંદર અને સ્વચ્છ રાખવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ સ્થાનિક નાગરિકોના સક્રિય સહકાર વિના આ લક્ષ્ય સિદ્ધ થઈ શકે નહીં. તેમણે મોરબીવાસીઓને જાહેરમાં કે નદીમાં કચરો ન ફેંકવા અપીલ કરી હતી.