મોરબી જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે મચ્છુ-2 ડેમમાં પાણીની જંગી આવક નોંધાઈ છે. જળસપાટી જાળવવા માટે ડેમના 16 દરવાજા 10 ફૂટ ખોલીને 1 લાખ ક્યુસેકથી વધુ પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું છે. નદી બે કાંઠે વહેતી થતાં સાવચેતીના ભાગરૂપે મોરબી શહેરનો બેઠો પુલ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ તેમજ ફાયર વિભાગને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે.
મચ્છુ-2 ડેમમાં નવા નીરની સતત અને ભારે આવક થઈ રહી છે. ડેમની સુરક્ષા અને રૂલ લેવલ જાળવી રાખવા માટે સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી ડેમના 16 દરવાજાઓને 10 ફૂટની ઊંચાઈ સુધી ખોલવાનો નિર્ણય લેવાયો હતો. આ દરવાજાઓ મારફતે 1 લાખ ક્યુસેક કરતા પણ વધારે પાણીનો જંગી જથ્થો મચ્છુ નદીના પટમાં સતત છોડવામાં આવી રહ્યો છે. ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડાતા નદીના જળસ્તરમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે.
ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા મચ્છુ નદી બે કાંઠે વહી રહી છે. મચ્છુ નદી મોરબી શહેરની મધ્યમાંથી પસાર થતી હોવાથી, શહેરમાં આવેલો નીચાણવાળો બેઠો પુલ પાણીના ધસમસતા પ્રવાહની ઝપેટમાં આવી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. નાગરિકોની સુરક્ષાને સર્વોપરી ગણીને વહીવટી તંત્ર દ્વારા આ બેઠા પુલને વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે અને લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.