કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તેમજ શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક, મેરવદર અને પ્રાંસલા ગામોની રૂબરૂ મુલાકાત લઈને સ્થાનિક ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. આ મુલાકાત દરમિયાન મંત્રીએ ગામની એકતા, સમરસતા અને વ્યસનમુક્તિ પર ભાર મૂકવાની સાથે લોકોના પ્રશ્નો સાંભળી તેના નિકાલ માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
જનતા સાથે જોડાણ અને સરકારનો મુખ્ય ધ્યેય
સ્થાનિકો સાથેના સંવાદમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાને ‘પ્રધાન સેવક’ ગણાવીને હંમેશા જનતા સાથે જોડાયેલા રહે છે. એક જનપ્રતિનિધિ માટે પણ જનતા સાથે સીધો સંપર્ક રાખવો અત્યંત જરૂરી છે, તો જ લોકોની વાસ્તવિક સમસ્યાઓથી અવગત થઈને તેનો યોગ્ય ઉકેલ લાવી શકાય. સરકારનો પ્રાથમિક ધ્યેય નાગરિકોની અગવડતાને સગવડતામાં ફેરવવાનો અને સામાન્ય લોકોના પ્રશ્નોનું સુખદ સમાધાન લાવવાનો છે.
સમરસતા, સ્વચ્છતા અને વ્યસનમુક્તિ પર ભાર
ગામના વિકાસ અંગે વાત કરતા મંત્રીએ સ્પષ્ટ કર્યું કે, સમરસ પંચાયત એ ગામની એકતા અને સામૂહિક પ્રગતિનું પ્રતીક છે. તેમણે યુવાનોની નવી વિચારસરણીને આવકારી હતી. ઉપરાંત, ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મંત્રીએ ગ્રામજનોને સ્વાસ્થ્યની જાળવણી કરવા, સ્વચ્છતા રાખવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અનુરોધ કર્યો હતો. ખાસ કરીને યુવાનોમાં વધતા વ્યસનના દૂષણને રોકવા માટે તેમણે ગ્રામીણ સ્તરે સઘન વ્યસનમુક્તિ અભિયાન ચલાવવા પર ખાસ ભાર મૂક્યો હતો.
ગ્રામજનોના પ્રશ્નો સાંભળ્યા અને મંદિરે દર્શન કર્યા
આ વિશેષ મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રીએ ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો. જેમાં લોકોએ રસ્તા, પાણી, સિંચાઈ, વીજ પુરવઠો અને ટ્રાન્સફોર્મરને લગતા સ્થાનિક પ્રશ્નોની રજૂઆત કરી હતી. મંત્રીએ આ પ્રશ્નો સાંભળીને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક ધોરણે જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપીને સ્થાનિક વિકાસ કાર્યોની સમીક્ષા પણ કરી હતી. આ અવસરે ઢાંક ખાતે ગણેશજી અને ડુંગરેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરીને તેમણે ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ઢાંકના સરપંચ સંજય લુણસીયા, મેરવદરના સરપંચ મનસુખ કથીરીયા, પ્રાંસલાના સરપંચ ભૂપત ગોડેધરા સહિત પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.