કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે અમદાવાદમાં વીર સાવરકર રમતગમત સંકુલ ખાતે બ્રિક્સ પરંપરાગત અને દેશી રમતગમત પ્રદર્શન સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રી માંડવિયાએ કહ્યું, ભારત ભવિષ્ય માટે ટકાઉ રમતગમત માટેની ઇકોસિસ્ટમનું નિર્માણ કરી રહ્યું છે.
આ પ્રસંગે દેશવિદેશથી આવેલા લોકોનું સ્વાગત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, આ પ્રદર્શન સ્પર્ધાની યજમાની એ ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે. તેમણે આ મંચને ઉજવણી, જાળવણી અને સહ-અધ્યયનનું મંચ ગણાવતા કહ્યું, અમદાવાદ વર્ષ 2029માં ઇન્ટરનેશનલ વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2029 અને 2030માં રાષ્ટ્રમંડળ રમતની યજમાની કરવા સજ્જ છે.
ઉલ્લેખનીય છે કે, આ પ્રતિષ્ઠિત પહેલ ભાગીદાર દેશોના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, દેશી રમત-ગમતની પરંપરાઓ અને શાશ્વત જ્ઞાનને ઉજાગર કરે છે. તેમજ રમતગમતની વૈશ્વિક ભાવના દ્વારા મૈત્રી, સહયોગ અને પરસ્પર આદરની ભાવનાને પ્રોત્સાહન આપે છે.