ઓગસ્ટ 11, 2026 1:57 પી એમ(PM)

printer

મહિસાગર પોલીસે 2.15 કરોડનો વિદેશી દારૂ નાશ કર્યો

મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂના જંગી જથ્થાનો સત્તાવાર રીતે નાશ કરવામાં આવ્યો છે. જિલ્લાના 7 જેટલા અલગ-અલગ પોલીસ મથકો વિસ્તારમાંથી પકડવામાં આવેલા 2 કરોડ 15 લાખ રૂપિયાની કિંમતના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવીને તેને નષ્ટ કરવામાં આવ્યો છે.

63 હજારથી વધુ દારૂની બોટલોનો કરાયો નાશ

અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર મહીસાગર જિલ્લામાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા અને ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા પોલીસ દ્વારા સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પ્રોહિબિશનની આ કામગીરી અંતર્ગત પોલીસ દ્વારા બુટલેગરો સામે કાર્યવાહી કરીને વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉચ્ચ અધિકારીઓની મંજૂરીથી જિલ્લામાં પકડાયેલી કુલ 63,609 જેટલી વિદેશી દારૂની બોટલોનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નાશ કરાયેલા આ દારૂની કિંમત અંદાજે 2 કરોડ 15 લાખ રૂપિયા આંકવામાં આવી છે.

7 પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ એકત્રિત કરાયો

જિલ્લા પોલીસના સત્તાવાર જણાવ્યા મુજબ, જે દારૂનો નાશ કરવામાં આવ્યો છે તે જિલ્લાના 7 અલગ-અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનાઓનો મુદ્દામાલ હતો. આ કાર્યવાહીમાં લુણાવાડા ટાઉન, લુણાવાડા તાલુકા, કોઠંબા, બકોર, બાલાસિનોર ટાઉન, બાલાસિનોર તાલુકા અને વીરપુર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી ઝડપાયેલા દારૂના જથ્થાનો સમાવેશ થાય છે. આ તમામ મથકોનો મુદ્દામાલ એકત્ર કરીને મેગા ડિસ્પોઝલ ડ્રાઇવ યોજવામાં આવી હતી.

ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પાર પડી પ્રક્રિયા

દારૂના આટલા જંગી જથ્થાનો નાશ કરવાની સમગ્ર પ્રક્રિયા વહીવટી અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ પાર પાડવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન બાલાસિનોર અને લુણાવાડાના નાયબ કલેક્ટર, જિલ્લાના ડીવાયએસપી (DySP) તેમજ સંબંધિત પોલીસ મથકોના પોલીસ ઇન્સ્પેક્ટરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.