મહીસાગર જિલ્લાના લુણાવાડા-સંતરામપુર હાઇવે પર રાફઈ ગામ નજીક એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે જઈ રહેલી એક કાર અને દૂધના વાહન વચ્ચે ગમખ્વાર ટક્કર થતાં કારમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ લુણાવાડા તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાફઈ ગામ નજીક કાર અને દૂધના વાહન વચ્ચે ભયાનક ટક્કર
અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર મહીસાગર જિલ્લામાંથી પસાર થતા લુણાવાડા-સંતરામપુર રોડ પર રાફઈ ગામ પાસે આ હૃદયદ્રાવક ઘટના બની હતી. માર્ગ પરથી પસાર થઈ રહેલી એક કાર અને દૂધ ભરેલા વાહન વચ્ચે કોઈ કારણસર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો હતોઅને કારમાં બેઠેલા લોકો અંદર જ ફસાઈ ગયા હતા.
કારમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
આ ગોઝારા અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા 3 લોકોને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ભારે રક્તસ્ત્રાવ અને ગંભીર ઈજાઓને કારણે કારમાં સવાર ત્રણેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો અને રાહદારીઓના ટોળા ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા અને પોલીસ તેમજ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘટનાને પગલે હાઇવે પર ભારે અફરાતફરી અને
ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો.
લુણાવાડા પોલીસ દ્વારા મૃતકોની ઓળખ માટે કવાયત શરૂ
ભયાનક અકસ્માતની જાણ થતાં જ લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ક્રેનની મદદથી વાહનોને બાજુ પર ખસેડી હાઇવે પરનો વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોને કારમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
હાલ પોલીસ દ્વારા આ કાર કોની છે, કાર ચાલકો ક્યાંના રહેવાસી હતા અને તેઓ ક્યાં જઈ રહ્યા હતા, તે અંગે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આગામી સમયમાં મૃતકોની ઓળખ થયા બાદ તેમના પરિજનોને જાણ કરી, વાહનચાલક સામે ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.