ઓગસ્ટ 11, 2026 1:34 પી એમ(PM)

printer

મહીસાગરમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા

મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. લુણાવાડા તાલુકાના સુવા ગામમાં તળાવ અને કોતરોના પાણી મુખ્ય માર્ગો પર ફરી વળતા પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે.
કોતર અને તળાવના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા

મહીસાગર જિલ્લામાં નોંધાયેલા અનરાધાર વરસાદના કારણે સર્વત્ર પાણી-પાણી થઈ ગયું છે. ખાસ કરીને લુણાવાડા તાલુકામાં આવેલા સુવા ગામમાં પરિસ્થિતિ અત્યંત વિકટ બની છે. ભારે વરસાદના કારણે ગામની આસપાસના કોતરો અને તળાવ ઓવરફ્લો થતાં તેમના પાણી સીધા રોડ અને રસ્તાઓ પર આવી ગયા છે. સુવા ગામનો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. હાલ રસ્તાઓ પરથી ધસમસતો પ્રવાહ એવી રીતે વહી રહ્યો છે જાણે કોઈ નદી વહેતી હોય.

ઘરોમાં પાણી ભરાયા, પશુઓ અને 25 લોકોનું રેસ્ક્યૂ

જળબંબાકારની આ સ્થિતિમાં ગામના નાયક ફળિયા વિસ્તારમાં 4 થી 5 જેટલા ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. પાણીનું સ્તર સતત વધતું જોઈને સ્થાનિક ગ્રામજનોએ નાયક ફળિયાના 25 જેટલા લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડ્યા હતા. માત્ર લોકો જ નહીં, પરંતુ માનવતા દાખવીને ગ્રામજનો દ્વારા પશુઓને પણ ડૂબતા બચાવીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે.