સપ્ટેમ્બર 12, 2026 4:34 પી એમ(PM)

printer

મહીસાગરના લુણાવાડા, ખાનપુર અને સંતરામપુરમાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં આનંદ

મહીસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ ખાબક્યો છે. જિલ્લાના લુણાવાડા, ખાનપુર અને સંતરામપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. અચાનક વરસાદના આગમનથી હાઈવે પર વિઝિબિલિટી ઘટી ગઈ હતી, જ્યારે બીજી તરફ મુરજાતા પાકને નવું જીવનદાન મળતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

હાઇવે પર વિઝિબિલિટી ઘટી, વાહનચાલકો પરેશાન 

લાંબા સમયના ઉઘાડ બાદ મહીસાગર જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. આકાશમાં વાદળો ઘેરાયા બાદ અચાનક જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. ભારે વરસાદ ખાબકવાના કારણે હાઈવે પર વાહનવ્યવહારને વ્યાપક અસર પહોંચી હતી. વરસાદની તીવ્રતા એટલી વધુ હતી કે રસ્તા પર વિઝિબિલિટી નોંધપાત્ર રીતે ઘટી ગઈ હતી. અકસ્માત નિવારવા અને સલામતી ખાતર વાહનચાલકો ધોળા દિવસે પણ પોતાના વાહનની પાર્કિંગ લાઈટ અને હેડલાઈટ ચાલુ રાખીને અત્યંત ધીમી ગતિએ વાહન ચલાવવા માટે મજબૂર બન્યા હતા.

લુણાવાડા, ખાનપુર અને સંતરામપુરમાં મેઘમહેર 

જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ઉપરાંત ખાનપુર અને સંતરામપુર તાલુકાઓમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. અચાનક આવેલા આ વરસાદથી શહેર અને ગ્રામ્ય વિસ્તારોના માર્ગો પરથી પાણી વહેતા થયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ભારે ગરમી અને બફારા બાદ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી સામાન્ય જનજીવનને મોટી રાહત મળી છે.

લાંબા વિરામ બાદ વરસાદથી પાકોને જીવતદાન 

ચોમાસાની ચાલુ સિઝનમાં વરસાદે લાંબો વિરામ લેતા ખેડૂતોની ચિંતામાં ભારે વધારો થયો હતો. વરસાદ ખેંચાવાના કારણે ખેતરોમાં ઊભેલા પાક સુકાવા લાગ્યા હતા. પરંતુ, યોગ્ય સમયે ફરી વરસાદનું આગમન થતાં ખેતીના પાકોને નવું જીવતદાન મળ્યું છે. આ વરસાદ પાક માટે કાચા સોના સમાન સાબિત થતાં મહીસાગર જિલ્લાના ધરતીપુત્રોમાં આનંદની લહેર દોડી ગઈ છે. આગામી દિવસોમાં પણ સારો વરસાદ પડે તો ખેડૂતોને મબલખ પાક ઉતરવાની મોટી આશા બંધાઈ છે.