લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ અનેક સંસદીય સમિતિઓની પુનઃરચના કરી છે અને નવા અધ્યક્ષોની નિમણૂક કરી છે. ભાજપ સાંસદ ભર્તૃહરિ મહતાબને નાણાં સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂર વિદેશ બાબતોની સમિતિની અધ્યક્ષતા કરશે. ભાજપ સાંસદ સુધીર ગુપ્તા રેલવે સમિતિ, ડો.કાકોલી ઘોષ દસ્તીદારને રસાયણ અને ખાતર સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે.
કોંગ્રેસના સાંસદ ચરણજીત સિંહ ચન્ની કૃષિ, પશુપાલન અને ફૂડ પ્રોસેસિંગ સમિતિ, ભાજપના સાંસદ રાધા મોહન સિંહ સંરક્ષણ સમિતિ, રાજીવ પ્રતાપ રૂડી જળ સંસાધન સમિતિ જ્યારે કોંગ્રેસના સાંસદ સપ્તગિરી ઉલાકા ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ સમિતિના અધ્યક્ષ છે.
ભાજપ સાંસદ નિશિકાંત દુબેને સંદેશાવ્યવહાર અને માહિતી ટેક્નોલોજી સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સમિતિઓનો કાર્યકાળ ગયા મહિનાની 26મી તારીખે શરૂ થયો હતો.