સર્વોચ્ચ અદાલતમાં પડતર કેસોના ઝડપી નિકાલ અને ન્યાયિક પ્રક્રિયાને વધુ સઘન બનાવવાના ઉદ્દેશ્યથી લોકસભાએ આજે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે ‘સર્વોચ્ચ ન્યાયાલય (ન્યાયાધીશોની સંખ્યા) સુધારા વિધેયક, 2026’ પસાર કર્યું છે. આ ઐતિહાસિક વિધેયક મુજબ, હવે સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સહિત ન્યાયાધીશોની કુલ સંખ્યા 34 થી વધારીને 38 કરવામાં આવશે.
વિપક્ષના હોબાળા વચ્ચે ચર્ચા વિના વિધેયક પસાર
લોકસભામાં સોમવારે જ્યારે આ મહત્વપૂર્ણ વિધેયક રજૂ કરવામાં આવ્યું ત્યારે વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દાઓ પર સતત હોબાળો કરવામાં આવી રહ્યો હતો. પીઠાસીન અધિકારી કૃષ્ણા પ્રસાદ તેન્નટી દ્વારા ગૃહમાં વારંવાર શાંતિ જાળવવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો, તેમ છતાં વિપક્ષનો વિરોધ ચાલુ રહ્યો હતો. આખરે, પરિસ્થિતિને જોતા કોઈપણ પ્રકારની ચર્ચા વિના જ આ વિધેયકને ગૃહ દ્વારા પસાર કરી દેવામાં આવ્યું હતું. આ નવું બિલ સર્વોચ્ચ ન્યાયાલય (ન્યાયાધીશોની સંખ્યા) અધિનિયમ, 1956 માં વધુ એક મહત્વનો સુધારો કરે છે.
ન્યાયિક ક્ષેત્રે સુધારા માટે મહત્વનું પગલું: કાયદા મંત્રી
વિધેયક રજૂ કરતા કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે ગૃહમાં જણાવ્યું હતું કે, આ સુધારો ન્યાયિક ક્ષેત્રમાં થઈ રહેલા સુધારાઓની શૃંખલાનું એક અંત્યંત મહત્વપૂર્ણ પગલું છે. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં વિવિધ બંધારણીય પીઠોની રચનાને કારણે નિયમિત કેસોની સુનાવણી માટે ઉપલબ્ધ ન્યાયાધીશોની સંખ્યા ઘટી જાય છે. આ સંજોગોમાં વધારાના ન્યાયાધીશોની તાતી જરૂરિયાત ઉભી થઈ હતી. તેમણે ઉમેર્યું કે આ સંબંધમાં અગાઉ લાવવામાં આવેલા વટહુકમને કાયદાકીય સ્વરૂપ આપવા માટે જ આ વિધેયક ગૃહ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે.
બંધારણના અમલ સમયે માત્ર 8 ન્યાયાધીશોની જોગવાઈ હતી
કાયદા મંત્રીએ બંધારણીય ઇતિહાસનો સંદર્ભ આપતા યાદ અપાવ્યું કે, ભારતીય બંધારણના અનુચ્છેદ 124 અનુસાર સમય અને બદલાતી જરૂરિયાતો મુજબ ઉચ્ચતમ ન્યાયાલયમાં ન્યાયાધીશોની સંખ્યામાં વધારો થતો રહ્યો છે. જ્યારે દેશમાં બંધારણ લાગુ થયું ત્યારે મુખ્ય ન્યાયાધીશ સહિત કુલ માત્ર 8 ન્યાયાધીશોની જ જોગવાઈ હતી. ત્યારબાદ 1956 ના કાયદા થકી તેમાં વધારો કરવામાં આવ્યો હતો.