શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાની વર્ચ્યૂઅલ ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં રાજ્ય દિવ્યાંગ પારિતોષિક પસંદગી સમિતિની બેઠક યોજાઈ. સમિતિ દ્વારા વર્ષ 2025 માટે મળેલી કુલ 69 અરજીની ચકાસણી કરીને આખરી પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ.
ચર્ચા-વિચારણાના અંતે જાહેર અને ખાનગી ક્ષેત્રને આવરી લેતી મુખ્ય ત્રણ શ્રેણીમાં કુલ 32 પારિતોષિક નક્કી કરાયા. તે અંતર્ગત દિવ્યાંગજનોને રોજગાર કે સ્વરોજગાર માટે 23 પારિતોષિક, ઉત્કૃષ્ટ નોકરીદાતાઓને આઠ તેમજ એક પ્લેસમેન્ટ ઑફિસરને પારિતોષિક એનાયત કરી સન્માનિત કરાશે તેમ, સત્તાવાર યાદીમાં જણાવાયું.
ઉલ્લેખનીય છે કે, દિવ્યાંગજનોને રોજગાર અને સ્વરોજગાર ક્ષેત્રે પ્રોત્સાહિત કરી તેમને આત્મનિર્ભર બનાવવાના સરકારના સંકલ્પને વધુ વેગ આપવા ‘રાજ્ય દિવ્યાંગ પારિતોષિક યોજના’ અમલમાં મૂકવામાં આવી છે.
આ યોજના હેઠળ રોજગાર કે સ્વરોજગાર કરતા દિવ્યાંગજનો, દિવ્યાંગ કર્મચારીઓને રોજગારીની તકો પૂરી પાડતા નોકરીદાતાઓ તથા પ્લેસમેન્ટ ઑફિસરોને રાજ્યકક્ષાએ વાર્ષિક પારિતોષિકથી સન્માનિત કરાય છે.