ઓક્ટોબર 18, 2026 10:05 એ એમ (AM)

printer

કોલકાતાના દુર્ગા પૂજા પંડાલની દુર્ઘટનામા જીવ ગુમાવનાર 19 મૃતકોના વારસદારોને કેન્દ્ર સરકાર અને રાજ્યસરકાર દ્વારા સહાયની જાહેરાત

પશ્ચિમ બંગાળમાં, ગઈકાલે સાંજે ઉત્તર કોલકાતાના ચોરબાગાન દુર્ગા પૂજા પંડાલમાં થયેલી નાસભાગમાં ૧૯ લોકોના મોત અને ૨૫ લોકો ઘાયલ થયા છે. આ ઘટના  મહા સપ્તમીની ઉજવણી દરમિયાન બની હતી. ભારે વરસાદ અને મુલાકાતીઓના અચાનક ધસારાને કારણે ભીડભાડવાળા પંડાલમાં અંધાધૂંધી સર્જાઈ હતી, જેના પરિણામે નાસભાગ જેવી સ્થિતિ ઊભી થઈ હતી.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી, રાજ્યના આરોગ્ય મંત્રી અને વરિષ્ઠ સરકારી અધિકારીઓએ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે હોસ્પિટલોની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ મૃતકોના દરેક પરિવારને ૨૫ લાખ રૂપિયાનું વળતર અને સરકારી નોકરી (ગ્રુપ-ડી) આપવાની પણ જાહેરાત કરી છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે પોલીસે પૂછપરછ માટે દુર્ગા પૂજાના આયોજકો, ખાનગી સુરક્ષા રક્ષકો અને ફરજ પરના કર્મચારીઓને અટકાયતમાં લીધા છે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે કલકત્તા હાઈકોર્ટના કાર્યરત ન્યાયાધીશના નેતૃત્વમાં એક વિશેષ તપાસ ટીમ (SIT) આ ઘટનાની તપાસ કરશે.

દરમિયાન, કોલકાતા પોલીસના ‘એન્ટી-રાઉડી સેક્શન’ (Anti-Rowdy Section) દ્વારા ઘટનાસ્થળેથી સીસીટીવી ફૂટેજ એકત્ર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ ફૂટેજની તપાસ કરવામાં આવશે અને ભીડને સંચાલિત કરવામાં નિષ્ફળ રહેવા બદલ જે કોઈ પણ જવાબદાર જણાશે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

દરમિયાન, હાલ કોલકાતામાં રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને મુખ્યમંત્રી તથા રાજ્યના અન્ય વરિષ્ઠ અધિકારીઓના સતત સંપર્કમાં છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રીના કાર્યક્રમો સહિતના તમામ સત્તાવાર કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે તેઓ આજે હોસ્પિટલમાં જઈને ઘાયલોની મુલાકાત લેશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી અને અન્ય વરિષ્ઠ નેતાઓએ કોલકાતામાં થયેલી નાસભાગમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

સોશિયલ મીડિયા પર સંદેશમાં, પ્રધાનમંત્રી મોદીએ નાસભાગમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારજનોને ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ‘ માંથી બે લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. ઘાયલ થયેલા દરેક વ્યક્તિને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.