ઓગસ્ટ 3, 2026 7:10 પી એમ(PM)

printer

મગર દેખાય તો ગભરાશો નહીં: ડાયલ કરો 1926, વન વિભાગની અપીલ

ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદના કારણે વિવિધ તાલુકાઓના જળાશયો અને ભરાયેલા પાણીમાં મગર દેખાવાની ઘટનાઓમાં વધારો થયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વન વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે અને નાગરિકોને ગભરાવાના બદલે સાવચેતી રાખવા તેમજ મગર દેખાય તો તંત્રને તાત્કાલિક જાણ કરવા માટે ખાસ અપીલ કરી છે.

મગર દેખાય તો ગભરાશો નહીં, સુરક્ષિત અંતર જાળવો

નાયબ વન સંરક્ષક અભિષેક સામરીયાએ જિલ્લાના તમામ નાગરિકોને ખાસ અનુરોધ કર્યો છે કે જો તેમને આસપાસના વિસ્તારોમાં મગર દેખાય, તો સહેજ પણ ગભરાવાની જરૂર નથી. નાગરિકોએ મગરથી સુરક્ષિત અંતર જાળવી રાખવું અને તેને હેરાન કરવાનો કે પકડવાનો પ્રયાસ કરવો નહીં. મગર જોવા માટે કે તેના ફોટા પાડવા માટે નજીક જવું અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. આ ઉપરાંત, જ્યાં મગર દેખાય ત્યાં લોકોની ભીડ એકત્રિત ન થવા દેવી એ સૌની પ્રાથમિક જવાબદારી છે.

જળસ્ત્રોતો નજીક જતા વિશેષ કાળજી રાખવા સૂચના

વરસાદી માહોલ વચ્ચે વન વિભાગે લોકોને નદી, તળાવ, કેનાલ અને અન્ય જળસ્ત્રોતોની નજીક જતી વખતે વિશેષ તકેદારી રાખવા જણાવ્યું છે. પાણીની નજીક એકલા જવાને બદલે હંમેશા જૂથમાં જવું અને આસપાસનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરવું હિતાવહ છે. પાણીના કિનારે બેસવું, કપડાં ધોવા કે પશુઓને ચરાવવા જવાનું હાલ પૂરતું ટાળવું જોઈએ. ખાસ કરીને નાના બાળકોને પાણીના સ્ત્રોતો નજીક એકલા મોકલવા નહીં. જ્યાં પાણીનું સ્તર વધુ હોય અથવા પૂર જેવી સ્થિતિ હોય તેવા વિસ્તારોમાં જવાનું સંપૂર્ણપણે ટાળવું જોઈએ.

ટોલ ફ્રી હેલ્પલાઇન 1926 પર તાત્કાલિક જાણ કરો

મગરને ખોરાક આપવો, તેને લલચાવવો કે તેની સાથે છેડછાડ કરવી એ જીવલેણ સાબિત થઈ શકે છે. વન વિભાગે લોકોને અપીલ કરી છે કે કોઈપણ સ્થળે મગર જોવા મળે તો સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવવાને બદલે તાત્કાલિક વન વિભાગની ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1926 પર સંપર્ક કરવો.

ફરિયાદ મળતા જ વન વિભાગની નિષ્ણાત ટીમ ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુ અને મોનિટરિંગની જરૂરી કાર્યવાહી હાથ ધરશે. માનવજીવન અને વન્યજીવો બંનેની સુરક્ષા માટે નાગરિકોની સતર્કતા અને વન વિભાગ સાથેનો સહયોગ જ વર્તમાન સ્થિતિમાં સૌથી અસરકારક સાબિત થશે. સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તંત્ર દ્વારા સતત પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.