જામનગર શહેરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ટાઉનહોલ ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે 55 સફાઈ કામદારોને કાયમી નિમણૂકના આદેશ પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, શહેરમાં કુલ 17.53 કરોડ રૂપિયાના માતબર ખર્ચે વિવિધ 4 વિકાસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.
55 સફાઈ કામદારો કાયમી અને 200 ને અવેજી ઓર્ડર અપાયા
ટાઉનહોલ ખાતે 1 ઓક્ટોબરના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં વર્ષોથી ફરજ બજાવતા 55 સફાઈ કામદારોને કાયમી નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. આ સાથે જ અન્ય 200 સફાઈ કામદારોને અવેજી ઓર્ડર પણ આપવામાં આવ્યા હતા. કાયમી નોકરી મળવાથી આ કર્મચારીઓ અને તેમના પરિવારોમાં દિવાળીના તહેવાર જેવો ઉત્સાહ જોવા મળ્યો હતો. કાયમી નિમણૂકથી કર્મચારીઓને માત્ર રોજગારીની સ્થિરતા જ નહીં, પરંતુ તેમના પરિવારને આર્થિક સુરક્ષા પણ પ્રાપ્ત થશે.
‘સફાઈ કર્મચારીઓને કાયમી નિમણૂક મળવી એ સુરક્ષાનો પ્રારંભ છે’
આ પ્રસંગે મંત્રી દર્શનાબેન વાઘેલાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સફાઈ કર્મચારીઓને કાયમી નિમણૂક મળવી એ તેમના જીવનમાં નવી આશા અને સુરક્ષાનો પ્રારંભ છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતાને કોઈ એક વર્ગની નહીં પરંતુ સમગ્ર સમાજની સહિયારી જવાબદારી બનાવી છે. રાજ્ય સરકાર પણ નાના વર્ગના લોકોના હિત અને કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ છે. મંત્રીએ અવેજીમાં કામ કરતા કર્મચારીઓને પણ નિષ્ઠાપૂર્વક કામ કરવા અનુરોધ કરી ભવિષ્યમાં તેઓ પણ કાયમી થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી.
17.53 કરોડના 4 વિકાસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત
કાર્યક્રમ દરમિયાન જામનગર મહાનગરપાલિકા અને જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ હસ્તકના કુલ 17.53 કરોડના 4 વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં વોર્ડ નંબર 11 માં 1.11 કરોડના ખર્ચે સી.સી. રોડ, હાપા (વોર્ડ નંબર 11) માં 1.07 કરોડના ખર્ચે અર્બન હેલ્થ સેન્ટર, વોર્ડ નંબર 12 ના ઘાંચીવાડ વિસ્તારમાં 1.61 કરોડના ખર્ચે અર્બન હેલ્થ સેન્ટર અને જામનગર-ખંભાળિયા હાઈવેથી ગ્લોબલ ટ્રેડિશનલ મેડીસીન સેન્ટર સુધીના એપ્રોચ રસ્તાના 13.72 કરોડના વિકાસ કામોનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયા, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી સહિતના અગ્રણીઓ, કોર્પોરેટરો અને સફાઈ કામદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ નવા ખાતમુહૂર્ત થયેલા વિકાસ કાર્યો પૂર્ણ થતાં આગામી દિવસોમાં જામનગરવાસીઓને આરોગ્ય અને પરિવહનની બહેતર સુવિધાઓ પ્રાપ્ત થશે.