જામનગર શહેરના રાજપાર્ક વિસ્તારમાં આવેલા રંગમતી પાર્કમાં એક મકાનનો ઉપરનો ભાગ અચાનક ધરાશાયી થવાની મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ગોઝારી ઘટનામાં 2 થી 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે હજુ પણ 1 વ્યક્તિ કાટમાળ નીચે દબાયેલી હોવાની આશંકાને પગલે ફાયર વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
અચાનક મકાન ધરાશાયી થતાં મચી અફરાતફરી
અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર જામનગર શહેરના રાજપાર્ક નજીક આવેલા રંગમતી પાર્કની બે ચબૂતરાવાળી શેરીમાં આ ઘટના બની હતી. અહીં આવેલા એક રહેણાંક મકાનનો ઉપરનો હિસ્સો અચાનક જ નીચે પડ્યો હતો. અચાનક બનેલી આ દુર્ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ધડાકાભેર મકાન પડવાના અવાજથી આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ફાયર તેમજ પોલીસ તંત્રને જાણ કરી હતી.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા, 1 વ્યક્તિ દબાયેલી હોવાની ભીતિ
મકાનનો કાટમાળ પડવાને કારણે ત્યાં હાજર 2 થી 3 જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. સ્થાનિકોની માહિતી મુજબ, હજુ પણ 1 વ્યક્તિ આ ભારે કાટમાળ નીચે ફસાયેલી હોવાની દ્રઢ આશંકા છે.
ફાયર વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જામનગર ફાયર બ્રિગેડનો કાફલો ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર વિભાગની ટીમે કાટમાળ હટાવીને નીચે દબાયેલી વ્યક્તિને સુરક્ષિત રીતે જીવિત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. પોલીસ કાફલો પણ બચાવ કાર્યમાં મદદરૂપ થવા અને લોકોની ભીડને નિયંત્રિત કરવા સ્થળ પર તૈનાત કરી દેવામાં આવ્યો છે.