જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગે લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને એનાલોગ ચીઝ, બટર અને પનીર પર મુકાયેલા પ્રતિબંધની આજથી કડક અમલવારી શરૂ કરી છે. જેના ભાગરૂપે શહેરમાં હાથ ધરાયેલા સઘન ચેકિંગ દરમિયાન એક જાણીતા પિઝા સેન્ટરમાંથી 12 કિલો એનાલોગ પનીરનો જથ્થો ઝડપી પાડીને તેનો નાશ કરવામાં આવ્યો છે.
ખાણી-પીણીની 12 થી વધુ દુકાનોમાં સઘન તપાસ
જામનગર મહાનગરપાલિકા દ્વારા આજથી શહેરમાં પ્રતિબંધિત ખાદ્ય પદાર્થોના વેચાણ અને ઉપયોગ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ખાણી-પીણીની દુકાનો, રેસ્ટોરન્ટ, ફાસ્ટ ફૂડ સેન્ટરો અને અન્ય ખાદ્ય વ્યવસાયિક એકમોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સવારથી જ શરૂ કરાયેલી આ ઝુંબેશ અંતર્ગત 12 થી વધુ વેપારી એકમોમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં મુખ્યત્વે એ ચકાસવામાં આવ્યું હતું કે કોઈ પણ સ્થળે પ્રતિબંધિત એનાલોગ પનીર કે અન્ય પ્રોડક્ટ્સનો ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં.
અંકલ ડોનાલ્ડ પિઝામાંથી 12 કિલો એનાલોગ પનીર જપ્ત
ફૂડ વિભાગની ચેકિંગ ઝુંબેશ દરમિયાન શહેરના ‘અંકલ ડોનાલ્ડ પિઝા’ ખાતે પણ તપાસ કરવામાં આવી હતી. આ સ્થળેથી અધિકારીઓને અંદાજે 12 કિલો જેટલું પ્રતિબંધિત એનાલોગ પનીર મળી આવ્યું હતું. લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકતા આ પનીરના જથ્થાને ફૂડ વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને જપ્ત કર્યો હતો અને સ્થળ પર જ તેનો નાશ કર્યો હતો. આ ઉપરાંત, સંબંધિત સંચાલકોને ભવિષ્યમાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવા કડક સૂચના આપવામાં આવી હતી.
નિયમ ભંગ કરનાર વેપારીઓ સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ થશે કાર્યવાહી
મહાનગરપાલિકાના ફૂડ વિભાગે સ્પષ્ટતા કરી છે કે ગ્રાહકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારના ચેડાં ચલાવી લેવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ શહેરભરમાં આ પ્રકારનું સઘન ચેકિંગ અભિયાન સતત ચાલુ રહેશે. ફૂડ વિભાગે તમામ વેપારીઓને પ્રતિબંધિત એનાલોગ ચીઝ, બટર અને પનીરનો ઉપયોગ તાત્કાલિક બંધ કરી માત્ર માન્ય અને ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રીનો જ ઉપયોગ કરવાની અપીલ કરી છે. જો કોઈ પણ વેપારી નિયમોનો ભંગ કરતા પકડાશે, તો તેમની સામે ‘ફૂડ સેફ્ટી એક્ટ’ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.