જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરમાં ગેરકાયદેસર હથિયારો પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશમાં મોટી સફળતા મળી છે. LCB ટીમે મહાપ્રભુજીની બેઠક પાસે દરોડો પાડીને એક શખ્સને પિસ્તોલ, રિવોલ્વર અને દેશી તમંચા સહિત કુલ 3 હથિયારો અને 7 કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે.
બાતમીના આધારે રહેણાંક મકાનમાં દરોડો
પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન સ્ટાફના યુવરાજપસિંહ ઝાલા, દિલીપભાઈ તલાવડીયા સહિતની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, મહાપ્રભુજીની બેઠક પાસે આવેલી ખોડિયાર સોસાયટીમાં (સાલુપીરની દરગાહ પાછળ) રહેતો યુનુસભાઈ ઈબ્રાહીમભાઈ મતવા કુરેશી (ઉ.વ. 49) પોતાના ઘરમાં ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો રાખી તેનું વેચાણ કરે છે. આ માહિતીના આધારે ટીમે દરોડો પાડીને આરોપીની અટકાયત કરી હતી.
રૂ. 65,700 નો મુદ્દામાલ જપ્ત, આરોપીનો ગુનાહિત ઇતિહાસ
પોલીસે મકાનની સઘન તલાશી લેતા આરોપી પાસેથી 1 પિસ્તોલ, 1 રિવોલ્વર, 1 દેશી તમંચો (કુલ કિંમત રૂ. 60,000), 7 જીવતા કારતૂસ, 1 પિસ્તોલ મેગ્ઝીન અને 1 મોબાઈલ ફોન મળી કુલ 65,700 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે કે મૂળ પોરબંદરના વિરડી પ્લોટનો વતની અને હાલ માછલીનો વેપાર કરતો આ આરોપી અગાઉનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેના વિરુદ્ધ વર્ષ 2022 માં પોરબંદર ઉદ્યોગનગર પોલીસ મથકમાં રાયોટિંગ અને મારામારી સહિતની 14 જેટલી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે.
બિહારના 2 હથિયાર સપ્લાયરોને વોન્ટેડ જાહેર કરાયા
ઝડપાયેલા શખ્સની પૂછપરછમાં હથિયારો સપ્લાય કરનાર મુખ્ય વ્યક્તિઓના નામ પણ ખૂલ્યા છે. આ હથિયારો બિહારના જોખન યાદવ અને સુશીલકુમાર સાહ નામના શખ્સોએ આપ્યા હોવાની કબૂલાત થતાં પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુદીનભાઈ સૈયદના રિપોર્ટના આધારે પી.એસ.આઈ. એમ.વી. ભાટીયાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ સઘન તપાસ માટે આરોપીને જામનગર સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. ફરાર બંને સપ્લાયરોને પકડવા અને આ હથિયારો કયા ઇરાદે મંગાવવામાં આવ્યા હતા તે દિશામાં પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.