ઓગસ્ટ 19, 2026 4:40 પી એમ(PM)

printer

માતાની સારસંભાળ ન રાખનાર પુત્રને માસિક રૂ. 4,000 ભરણપોષણ ચૂકવવા જામનગર SDMનો આદેશ

જામનગર જિલ્લાના લાલપુર સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને મેન્ટેનન્સ ટ્રિબ્યુનલ દ્વારા સિનિયર સિટિઝન એક્ટ હેઠળ એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. જામજોધપુર તાલુકાના જામવાડી ગામની એક 83 વર્ષીય વિધવા માતાની અરજી પર સુનાવણી કરતા કોર્ટે નિરાધાર માતાની ઉપેક્ષા કરનાર પુત્રને દર મહિને 4000 રૂપિયા ભરણપોષણ ચૂકવવાનો કડક આદેશ કર્યો છે.

બીમાર અને નિરાધાર માતાની પુત્ર દ્વારા ઉપેક્ષા

જામજોધપુર તાલુકાના જામવાડી ગામે રહેતા 83 વર્ષીય વિધવા દિવાળીબેન રવજીભાઈ ખાંટ વૃદ્ધાવસ્થા, ગોઠણના ઘસારા અને અન્ય બીમારીઓથી પીડાઈ રહ્યા છે. તેમની ઉપલેટાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, પરંતુ તેમની પાસે આવકનું કોઈ સાધન નથી. પિતાની વડીલોપાર્જિત જમીનમાં હિસ્સો મેળવ્યા બાદ પણ પુત્ર વિનોદ રવજીભાઈ ખાંટે માતાની સારવાર અને ભરણપોષણનો ખર્ચ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આથી પોતાની ફરજમાંથી છટકી ગયેલા પુત્ર સામે નિરાધાર માતાએ માસિક 7000 રૂપિયાના ભરણપોષણ માટે લાલપુર ટ્રિબ્યુનલ સમક્ષ અરજી દાખલ કરી હતી.

ખાનગી કરારથી પુત્ર કાનૂની ફરજમાંથી મુક્ત ન થઈ શકે

આ કેસની સુનાવણી દરમિયાન પુત્ર વિનોદે પોતાનો બચાવ કરતા રજૂઆત કરી હતી કે અગાઉ થયેલી સમજૂતી મુજબ તેના ભાઈ સુભાષભાઈએ માતાની તમામ જવાબદારી સ્વીકારી છે. જોકે, લાલપુરના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એસ.જે. અસવારે આ દલીલ ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓનો સંદર્ભ આપતા ટ્રિબ્યુનલે સ્પષ્ટ કર્યું કે ‘માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ અધિનિયમ, 2007’ ની કલમ 4 હેઠળ માતા-પિતાનું ભરણપોષણ કરવું એ પુત્રની કાનૂની અને નૈતિક ફરજ છે. કોઈપણ ખાનગી સમજૂતી કે કરારથી પુત્ર આ ફરજમાંથી છટકી શકે નહીં.

દર મહિનાની 10 તારીખ સુધીમાં રકમ ચૂકવવાનો આદેશ

માતાની ઉંમર, તબીબી સ્થિતિ અને સામાવાળા પુત્રની આર્થિક ક્ષમતાને ધ્યાનમાં રાખીને ટ્રિબ્યુનલે ગત 10 ઓગસ્ટ 2026 ના રોજ આદેશ ફરમાવ્યો છે કે પુત્ર વિનોદે માતા દિવાળીબેનને માસિક 4000 રૂપિયા ચૂકવવાના રહેશે. આ રકમ દર મહિનાની 10 તારીખ સુધીમાં નિયમિતપણે ચૂકવવાની રહેશે. ઉપરાંત, અરજી દાખલ કર્યા તારીખથી હુકમની તારીખ સુધીની તમામ બાકી નીકળતી ચડત રકમ 30 દિવસની અંદર બેંક ખાતામાં અથવા રોકડ રસીદ સામે જમા કરાવવાનો આદેશ કરાયો છે.

આદેશનો ભંગ થશે તો લેવાશે કડક પગલાં

ટ્રિબ્યુનલ દ્વારા ચુકાદામાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો પુત્ર દ્વારા કોઈપણ મહિનાનું ભરણપોષણ ચૂકવવામાં ચૂક કરવામાં આવશે, તો કાયદાની કલમ 11 હેઠળ જમીન મહેસૂલની બાકી તરીકે વસૂલાતનું વોરંટ કાઢવામાં આવશે અને અન્ય કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ચુકાદો સમાજમાં માતા-પિતાની ઉપેક્ષા કરતા સંતાનો માટે એક લાલબત્તી સમાન છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.