જામનગર અને સમગ્ર હાલાર પંથકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં શંકાસ્પદ લક્ષણો સાથે સારવાર લઈ રહેલા એક બાળદર્દીનું મોત નીપજ્યા બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં હોસ્પિટલમાં વધુ 2 બાળકો સારવાર હેઠળ છે.
શનિ-રવિના ટૂંકાગાળામાં 3 બાળકોના મોતથી હાહાકાર
જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 3 બાળદર્દીઓ પહેલેથી જ સારવાર હેઠળ હતા. આ દરમિયાન પસાયા અને ધ્રોલ પંથકના વધુ 2 બાળકોને શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને પણ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આમ, હોસ્પિટલમાં દાખલ કુલ શંકાસ્પદ દર્દીઓની સંખ્યા 5 પર પહોંચી હતી. જોકે, શનિવાર અને રવિવાર એમ બે જ દિવસમાં સારવાર દરમિયાન 3 બાળકોના મોત નીપજતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. મૃત્યુ પામનાર બાળકોમાં કાલાવડ પંથકના 2 અને ધ્રોલ પંથકના 1 દર્દીનો સમાવેશ થાય છે.
મોત બાદ રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ
ધ્રોલ પંથકના જે બાળદર્દીનું મોત નીપજ્યું છે, તેનો રિપોર્ટ આજે પોઝિટિવ મળતા આરોગ્ય વિભાગની ગતિવિધિઓ વધુ તેજ બની છે. આ ઉપરાંત, ધ્રોલ પંથકના જ અન્ય એક શંકાસ્પદ બાળકનું આશરે 4 દિવસ પહેલા રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. શરૂઆતમાં તેના સેમ્પલનો રિપોર્ટ બાકી હતો, પરંતુ પાછળથી તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. હોસ્પિટલના જણાવ્યા અનુસાર, હાલમાં એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે એક દર્દીનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે.
જી.જી. હોસ્પિટલમાં 2 બાળકોની સઘન સારવાર ચાલુ
અગાઉ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા તમામ શંકાસ્પદ કેસોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું સામે આવ્યું હતું, પરંતુ હવે પોઝિટિવ કેસોની પુષ્ટિ થતા તંત્રની ચિંતા વધી છે. હાલની સ્થિતિએ જામનગરની જી.જી. હોસ્પિટલમાં 2 બાળકો દાખલ છે અને તબીબોની દેખરેખ હેઠળ તેમની સઘન સારવાર ચાલી રહી છે.