ઓગસ્ટ 20, 2026 5:29 પી એમ(PM)

printer

જામનગરમાં આર્મી-પોલીસ ભરતી માટે 30 દિવસીય નિઃશુલ્ક તાલીમ: 29 ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે

જામનગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા આર્મી, એરફોર્સ, નેવી અને પેરા મિલિટ્રી ફોર્સમાં જોડાવા ઇચ્છતા યુવાનો માટે 30 દિવસીય નિઃશુલ્ક નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમમાં જોડાવા માટેની અરજી કરવાની અંતિમ તારીખ અગાઉ 17 ઓગસ્ટ 2026 હતી, જેને લંબાવીને હવે 29 ઓગસ્ટ 2026 કરવામાં આવી છે.

રહેવા-જમવાની મફત સુવિધા અને 100 રૂપિયાનું દૈનિક સ્ટાઈપેન્ડ

ગુજરાત સરકારની પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અંતર્ગત જામનગર ખાતે યોજાનાર આ તાલીમ વર્ગ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે. તાલીમાર્થીઓનો રહેવા તથા જમવાનો તમામ ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે. આ ઉપરાંત, તાલીમ દરમિયાન યુવાનોને પ્રોત્સાહન રૂપે પ્રતિદિન 100 રૂપિયાનું સ્ટાઈપેન્ડ પણ ચૂકવવામાં આવશે. આ 30 દિવસીય તાલીમમાં ઉમેદવારોને દોડ, લાંબો કૂદકો અને પુલ-અપ્સ જેવી શારીરિક કસોટીઓની તૈયારી સાથે લેખિત પરીક્ષાનું સઘન માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

અરજી માટેની શૈક્ષણિક અને શારીરિક લાયકાત

આ તાલીમમાં માત્ર જામનગર જિલ્લાના 17.50 થી 23 વર્ષની વયજૂથ ધરાવતા અને ધોરણ 10 કે 12 પાસ કરેલા (કોઈપણ પ્રવાહ) પુરુષ ઉમેદવારો જ ભાગ લઈ શકશે. શારીરિક યોગ્યતાના માપદંડ તરીકે ઉમેદવારની ઊંચાઈ 168 સે.મી., વજન 50 કિલોગ્રામ અને છાતી ફૂલાવ્યા વગર 77 સે.મી. તથા ફૂલાવેલી 82 સે.મી. હોવી ફરજિયાત છે. અગાઉ આ તાલીમ મેળવી ચૂકેલા ઉમેદવારો પુનઃ અરજી કરી શકશે નહીં. આર્મીની લેખિત પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોને પ્રવેશ પ્રક્રિયામાં ખાસ પ્રાથમિકતા આપવામાં આવશે.

જરૂરી દસ્તાવેજો સાથે 29 ઓગસ્ટ સુધીમાં રૂબરૂ અરજી કરવી

આ તાલીમ વર્ગમાં જોડાવવા ઇચ્છુક અને 30 દિવસ સુધી સતત નિવાસી તાલીમ લેવા તૈયાર ઉમેદવારોએ 29 ઓગસ્ટ 2026 સુધીમાં જિલ્લા રોજગાર કચેરી, જામનગર ખાતે રૂબરૂ જઈને પોતાની સંમતિ સાથે અરજી કરવાની રહેશે. અરજી સાથે તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC), જાતિનો દાખલો, બેંક પાસબુક, આધારકાર્ડ અને 2 પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ સાથે રાખવા જરૂરી છે.