ઓગસ્ટ 20, 2026 2:30 પી એમ(PM)

printer

જામનગરમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ કોંગ્રેસે 6 કોંગ્રેસીને સસ્પેન્ડ કર્યા

જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પક્ષમાં આંતરિક શિસ્તભંગ અને પક્ષવિરોધી પ્રવૃત્તિઓના મામલે આકરી કાર્યવાહી કરવામાં આવી છે. તાજેતરની ચૂંટણીઓ દરમિયાન કોંગ્રેસ સંગઠન અને પક્ષના ઉમેદવારોને નુકસાન પહોંચાડવાના આક્ષેપસર કોંગ્રેસના 6 સભ્યોને 6 વર્ષ માટે પક્ષમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

ચૂંટણી દરમિયાન સંગઠનને નુકસાન પહોંચાડ્યાનો આક્ષેપ

જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાના જણાવ્યા અનુસાર, તાજેતરમાં સંપન્ન થયેલી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પક્ષના જ કેટલાક સભ્યો દ્વારા પક્ષવિરોધી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હોવાની ફરિયાદો ધ્યાને આવી હતી. આ સભ્યોના ગેરશિસ્તભર્યા વર્તનથી પક્ષના સત્તાવાર ઉમેદવારો અને સંગઠનના એકંદર હિતને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાની બાબતને કોંગ્રેસ સમિતિએ ખૂબ ગંભીરતાથી લીધી હતી.

6 સભ્યો સામે લેવાયા આકરા પગલાં

પક્ષવિરોધી પ્રવૃત્તિમાં સીધી સંડોવણી જણાતા અશોકભાઈ ત્રિવેદી, ઉમર સોઢા, નુરમામદભાઈ પલેજા, ભરત ભાનુશાળી, રાજેશસિંહ કુશવાહ અને રામદેવ ઓડેદરા સામે શક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો હતો. આ તમામે 6 સભ્યોને તેમના કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદ તેમજ તેઓ જે હોદ્દાઓ ધરાવતા હતા, તે પરથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

સંગઠન વિરુદ્ધનું વર્તન ચલાવી લેવાશે નહીં: શહેર પ્રમુખ

શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ જણાવ્યું હતું કે, “કોંગ્રેસ પક્ષ એક શિસ્તબદ્ધ સંગઠન છે અને સંગઠનના હિત વિરુદ્ધ કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં.” તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે ચૂંટણી સહિતની કોઈપણ રાજકીય પ્રક્રિયામાં પક્ષના અધિકૃત ઉમેદવારને નુકસાન પહોંચાડનાર તત્વો સામે પક્ષની શિસ્ત મુજબ જ કડક કાર્યવાહી કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.