ભરૂચના જંબુસરમાં 24 વર્ષીય પુત્રીને પ્રેમજાળમાં ફસાવી, સોનાના દાગીના સાથે ભગાડી જઈ અને નકલી લગ્ન પ્રમાણપત્ર ઉભું કરવા બદલ કરજણના એક યુવક વિરુદ્ધ જંબુસર પોલીસ મથકમાં છેતરપિંડી અને કૂટદસ્તાવેજની સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાથી યુવતી ગુમ અને સોનાના દાગીનાની ચોરી
અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર જંબુસરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શકરાભાઈ (નામ બદલેલ છે)ની 24 વર્ષીય પુત્રી મિત્વા (નામ બદલેલ છે) વડોદરાની એક હોસ્પિટલમાં નોકરી કરતી હતી. ગત તારીખ 07/05/2026 ના રોજ મિત્વાએ તેના પરિવારને ફોન કરીને પોતે ‘કોર્ટ મેરેજ’ કરી લીધા હોવાની જાણ કરી હતી. આ સાથે જ તે ઘરમાંથી 6 તોલા સોનાનો હાર પણ પોતાની સાથે લઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના બાદ પરિવારે શોધખોળ હાથ ધરીને વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ અને જંબુસર પોલીસમાં અરજી આપી હતી.
પોલીસ સમક્ષ રજૂ કરાયું બોગસ મેરેજ સર્ટિફિકેટ
પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન એવી વિગતો પ્રકાશમાં આવી હતી કે, કરજણ તાલુકાના ક્રિયા ગામના ફેઝલ મજીદ દિવાન નામના યુવકે યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. આ સમગ્ર મામલે બચાવ માટે આરોપી ફેઝલના મામાએ જંબુસર પોલીસ સ્ટેશનમાં એક મેરેજ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું, જેમાં ફેઝલ અને દિવ્યાના લગ્ન થયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
સબ-રજિસ્ટ્રાર કચેરીની તપાસમાં ભાંડો ફૂટ્યો
યુવક પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા આ મેરેજ સર્ટિફિકેટ પર શંકા જતા, યુવતીના પિતા જાતે તેની ખરાઈ કરવા વડોદરા ખાતેની લગ્ન નોંધણી અને સબ-રજિસ્ટ્રારની કચેરીએ પહોંચ્યા હતા. ત્યાંના સક્ષમ અધિકારીએ તપાસ કરીને લેખિતમાં સ્પષ્ટતા કરી હતી કે, સરકારી રેકોર્ડમાં ફેઝલ દિવાન અને તેમની પુત્રીના નામે કોઈ જ લગ્ન નોંધણી થઈ નથી, અને આ કચેરી દ્વારા આવું કોઈ પણ સર્ટિફિકેટ ઇશ્યુ કરવામાં આવ્યું નથી.
BNS ની કલમો હેઠળ ગુનો દાખલ, પોલીસ કાર્યવાહી શરૂ
મેરેજ સર્ટિફિકેટ તદ્દન બનાવટી હોવાનું સાબિત થતાં, ફરિયાદીની લેખિત ફરિયાદના આધારે જંબુસર પોલીસે આરોપી ફેઝલ મજીદ દિવાન સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ છેતરપિંડી અને બોગસ દસ્તાવેજો બનાવવા અંગેનો ગુનો દાખલ કર્યો છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા અને યુવતીને શોધી કાઢવા માટે કાયદેસરની તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.