ભારતીય રેલવેએ આ વર્ષે ઓક્ટોબરમાં અત્યાર સુધીનો સૌથી વધુ 145 મિલિયન ટનથી વધુ માલસામાનનું પરિવહન કર્યું છે. ગયા વર્ષના સમાન મહિનાની તુલનામાં તેમાં આઠ ટકાથી વધુનો વધારો નોંધાયો છે.
રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે વધુ માલસામાન લોડિંગ અને વધેલી માલસામાનની આવક આર્થિક વિકાસને ટેકો આપવા અને દેશના પરિવહન ક્ષેત્રને મજબૂત બનાવવા માટેના રેલવેના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. મંત્રાલયે ભાર મૂક્યો હતો કે ખાદ્ય અનાજ લોડિંગમાં 26 ટકાથી વધુ, સ્થાનિક કોલસામાં 16 ટકા, ક્લિંકરમાં 10 ટકાથી વધુ અને આયર્નમાં પાંચ ટકાનો વધારો થયો છે.
ભારતીય રેલવેએ આ વર્ષે ઓક્ટોબર દરમિયાન પાવર હાઉસની વધેલી જરૂરિયાતને પહોંચી વળવા માટે દરરોજ સરેરાશ 470 રેક સપ્લાય કરીને સ્થાનિક કોલસા પરિવહનમાં વધારો કર્યો છે.