ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનને ધ્યાનમાં રાખીને ભારતીય પોસ્ટ વિભાગે અત્યારથી જ વિશેષ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બહેનો હવે પોતાની રાખડી સુરક્ષિત અને સમયસર દેશ-વિદેશમાં મોકલી શકે તે માટે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ‘વોટર-રેઝિસ્ટન્ટ’ ડિઝાઇનર રાખડી કવર અને ગિફ્ટ બોક્સનું અનાવરણ કર્યું છે. આ નવી સુવિધાથી ચોમાસાની ઋતુમાં પણ રાખડી સુરક્ષિત રીતે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકશે.
પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવના જણાવ્યા અનુસાર, 11 સે.મી. × 22 સે.મી. સાઈઝના ત્રણ અલગ-અલગ આકર્ષક ડિઝાઇનમાં ઉપલબ્ધ આ રાખડી કવરની કિંમત માત્ર ₹10 રાખવામાં આવી છે. આ કવર વોટર-રેઝિસ્ટન્ટ હોવાથી વરસાદમાં પણ અંદર રહેલી રાખડી ખરાબ નહીં થાય. આ ઉપરાંત રાખડી સાથે મીઠાઈ કે અન્ય ભેટવસ્તુઓ મોકલવા માટે 250 ગ્રામ, 500 ગ્રામ અને 1 કિલોગ્રામની ક્ષમતાવાળા ગિફ્ટ બોક્સ પણ લોન્ચ કરાયા છે. જેની કિંમત અનુક્રમે ₹35, ₹40 અને ₹50 છે. આ કવર અને બોક્સ પર ભારતીય પોસ્ટનો લોગો અને રક્ષાબંધનની પરંપરાગત ડિઝાઈન હોવાથી સોર્ટિંગ કામગીરીમાં તેની અલગ ઓળખ ઉભી થશે, જેનાથી વિતરણ કામગીરી ઝડપી બનશે.
આ વિશેષ કવર અને ગિફ્ટ બોક્સ ઉત્તર ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાની તમામ હેડ પોસ્ટ ઓફિસ, સબ પોસ્ટ ઓફિસ તેમજ ગ્રામ્ય વિસ્તારોની બ્રાંચ પોસ્ટ ઓફિસમાં વેચાણ માટે મૂકવામાં આવ્યા છે. એટલું જ નહીં, ઇન્ટરનેશનલ ટ્રેકડ પેકેટ સેવા દ્વારા વિદેશમાં રહેતા ભાઈઓને પણ સસ્તા દરે રાખડી મોકલવાની વિશેષ સુવિધા વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.
રાખડી બુકિંગમાં કોઈ અગવડ ન પડે તે માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. અમદાવાદના શાહીબાગ સ્થિત નેશનલ સોર્ટિંગ હબ, મણિનગર રેલવે સ્ટેશન, નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ, હિંમતનગર અને મહેસાણા હેડ પોસ્ટ ઓફિસ સહિત રાજકોટ, સુરત અને વડોદરાના રેલવે મેઇલ સર્વિસ (RMS) કાઉન્ટરો પર 24 કલાક પોસ્ટ બુકિંગ થઈ શકશે. જ્યારે અમદાવાદ જીપીઓ, ગાંધીનગર, પાલનપુર, કલોલ, પાટણ, ડીસા સહિતની અન્ય મુખ્ય પોસ્ટ ઓફિસોમાં સાંજે 8:00 વાગ્યા સુધી બુકિંગ સ્વીકારવામાં આવશે. પોસ્ટ વિભાગના આ આગોતરા આયોજનથી રક્ષાબંધન પર્વે લાખો નાગરિકોને મોટી રાહત મળશે.