ભારતે હ્યુમન પેપિલૉમા વાયરસ – HPV રસીકરણના 80 લાખ રસીના ડૉઝનો મહત્વનો આંકડો પાર કરી લીધો છે. આ નિવારક સ્વાસ્થ્ય સંભાળને મજબૂત કરવા તથા HPV સંક્રમણ અને HPV સાથે જોડાયેલા કૅન્સરથી સુરક્ષા આપવાની દિશામાં એક મોટું પગલું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું, ફેબ્રુઆરી 2026માં શરૂ કરાયેલા રાષ્ટ્રીય HPV રસીકરણ અભિયાન અંતર્ગત HPV રસીકરણ પહેલ હાથ ધરાઈ હતી.
મંત્રાલયે વધુમાં જણાવ્યું, ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને મિઝોરમમાં તેમના નિર્ધારિત લક્ષ્યાંકોને 100 ટકા આવરી લેવાયા છે. જ્યારે બિહાર, આંધ્રપ્રદેશ અને આસામમાં 90 ટકાનો આંકડો પાર કરાયો. તો 22 લાખથી વધુ કિશોરીઓને રસી આપીને ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ સૌથી વધુ સંખ્યા નોંધાઈ.
મંત્રાલયે વધુમાં જણાવ્યું, તમામ રસીકરણ સત્ર તબીબી દેખરેખ હેઠળ યોજવામાં આવે છે. રસીકરણ થયા બાદ થનારી દુર્લભ પ્રતિકૂળ અસરને પહોંચી વળવા 24 કલાકની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અભિયાનની દેખરેખ યૂ-વિન ડિજિટલ મંચના માધ્યમથી કરવામાં આવે છે અને હવે બાકીના રહી ગયેલા લાભાર્થીઓ સુધી પહોંચવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. મંત્રાલયે જણાવ્યું, આ અભિયાન માતા-પિતાની સંમતિથી 14 વર્ષની બાળકીઓને નિઃશુલ્ક અને સ્વૈચ્છિક સિંગલ-ડૉઝ HPV રસીકરણ પૂરું પાડે છે. દરેક રસીકરણ ભારત દેશને તેની દીકરીઓ માટે એક સ્વસ્થ અને કેન્સરમુક્ત ભવિષ્યની નજીક લાવે છે.