ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સના 10મા દિવસે 16 મેડલ જીતી ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને પહોંચ્યું છે. ભારતે અત્યાર સુધીમાં 13 સુવર્ણ, 17 રજત અને 9 કાંસ્ય સહિત કુલ 39 ચંદ્રકો જીત્યા છે.ભારતે સૌથી વધુ 10 ચંદ્રક બોક્સિંગમાં જીત્યા છે. પુરુષો પેરા શોટ પુટ અને ટ્રિપલ જમ્પમાં બે-બે જ્યારે જુડો અને એથ્લેટિક્સમાં એક-એક ચંદ્રક જીત્યો છે. ભારતીય બોક્સરોએ કોમનવેલ્થ ગેમ્સમાં ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. પ્રીતિ પવાર, જાસ્મીન લંબોરિયા, સાક્ષી ચૌધરી, પ્રિયા ઘંઘાસ, અરુંધતી ચૌધરી, સચિન સિવાચ અને અંકુશ પંઘાલે સુવર્ણ જ્યારે જદુમણિ સિંહ, લવલીના બોરગોહેન અને નરેન્દ્ર બેરવાલે રજત ચંદ્રક જીત્યા છે. પેરા-એથ્લેટિક્સમાં પુરુષોની F-57 શોટ પુટ ઇવેન્ટમાં સોમન રાણાએ સુવર્ણ, જ્યારે શુભમ જુયાલે રજત ચંદ્રક જીત્યો. એથ્લેટિક્સમાં પ્રવીણ ચિત્રાવલે પુરુષોની ટ્રિપલ જમ્પમાં રજત, સેલ્વા પ્રભુ તિરુમારને કાંસ્ય ચંદ્રક જીત્યો, જ્યારે લાંબા અંતરના દોડવીર ગુલવીર સિંહે પુરુષોની 5,000 મીટર દોડમાં કાંસ્ય અને જુડો ખેલાડી ઉન્નતિ શર્માએ મહિલાઓની 63 કિગ્રા શ્રેણીમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય રમતવીરોના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા છે.
News On AIR | ઓગસ્ટ 2, 2026 11:38 એ એમ (AM)
કોમનવેલ્થ ગેમ્સમાં 39 ચંદ્રકો સાથે ભારત ચોથા સ્થાને પહોંચ્યું