ઓગસ્ટ 5, 2026 3:19 પી એમ(PM)

printer

‘2030 કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે ગુજરાત સંપૂર્ણ સજ્જ’ : હર્ષ સંઘવી

વિદેશ પ્રવાસ પૂર્ણ કરીને અમદાવાદ એરપોર્ટ પર પરત ફરેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સાથેની વાતચીતમાં રમતગમત અને યુવા વિકાસ ક્ષેત્રે સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રમતગમત ક્ષેત્રે દેશ હરણફાળ ભરી રહ્યો છે અને આગામી 2030 ના કોમનવેલ્થ ગેમ્સના ભવ્ય આયોજન માટે ગુજરાત સરકાર અત્યારથી જ આયોજનબદ્ધ તૈયારીઓ કરી રહી છે.

યુવા વિકાસ અને ફિટનેસ પર સરકારનો વિશેષ ભાર

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં રમતગમત અને યુવા વિકાસને એક નવી દિશા પ્રાપ્ત થઈ છે. ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ થકી આજે દેશમાં ફિટનેસને એક જનઆંદોલનનું સ્વરૂપ મળ્યું છે. આ ઉપરાંત, યુવાનોને નશાની ગંભીર લતથી દૂર રાખવા માટે ચલાવવામાં આવી રહેલા ‘નશામુક્ત ભારત અભિયાન’ થી દેશમાં સ્વસ્થ, સજાગ અને સશક્ત યુવા શક્તિના નિર્માણને નવી ગતિ અને ઊર્જા મળી રહી છે.

સ્પોર્ટ્સ બજેટમાં વધારો અને ખેલાડીઓને પ્રોત્સાહન

હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે, દેશના રમતગમત બજેટમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ બજેટ વધારાના પરિણામે દેશમાં અત્યાધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થયું છે. ખેલાડીઓને હવે વિશ્વસ્તરીય તાલીમ, અદ્યતન સુવિધાઓ અને યોગ્ય પ્રોત્સાહન ઘરઆંગણે જ ઉપલબ્ધ બન્યાં છે. આ જ કારણથી ભારતીય ખેલાડીઓ આજે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં સતત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધારી રહ્યા છે.

2030 કોમનવેલ્થ ગેમ્સ માટે ગુજરાતની તૈયારીઓ તેજ

આગામી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ અંગે વાત કરતા તેમણે ખાસ જણાવ્યું હતું કે, વર્ષ 2030 માં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સના આયોજનને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં વિવિધ સ્તરે વ્યાપક તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યનું રમતગમતનું માળખું વિશ્વસ્તરીય અને વધુ મજબૂત બને તે માટે સરકાર કામ કરી રહી છે. ગુજરાત આવી કોઈપણ આંતરરાષ્ટ્રીય કક્ષાની મોટી સ્પર્ધાઓના સફળ આયોજન માટે સજ્જ બને તે દિશામાં રાજ્ય સરકાર આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારનો સંયુક્ત પ્રયાસ

નાયબ મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી કે, રમતગમત ક્ષેત્રે ભારત અને ખાસ કરીને ગુજરાતના યુવા ખેલાડીઓને વધુ સારી તકો અને આધુનિક સુવિધાઓ મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સંકલિત પ્રયાસો કરી રહી છે. ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પોતાનું અને રાજ્યનું નામ રોશન કરે તે માટે સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.