ઓગસ્ટ 6, 2026 6:09 પી એમ(PM)

printer

ગુજરાતમાં 9 થી 17 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાન યોજાશે

ગુજરાત રાજ્યમાં આગામી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે 9 થી 17 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વિવિધ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં 70 લાખથી વધુ ઘરો પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે અને વિવિધ સ્થળોએ 1200 થી વધુ તિરંગા યાત્રાઓ યોજાશે.

ગાંધીનગરમાં યોજાશે રાજ્યકક્ષાની તિરંગા યાત્રા અને કોન્સર્ટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના અન્ય સભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં 10 ઓગસ્ટના રોજ પાટનગર ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની ભવ્ય તિરંગા યાત્રા અને ‘તિરંગા કોન્સર્ટ’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય મોટા શહેરોમાં પણ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરાયું છે. જે અંતર્ગત 11 ઓગસ્ટે અમદાવાદ, 12 ઓગસ્ટે રાજકોટ અને 14 ઓગસ્ટે વડોદરા ખાતે દેશભક્તિના માહોલ વચ્ચે યાત્રાઓ નીકળશે.

70 લાખ ઘરો પર લહેરાશે તિરંગો, 1200 યાત્રાઓને મંજૂરી

નાયબ મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, રાજ્યના ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા ગામડાઓથી લઈને મોટા શહેરો સુધી આ અભિયાન વ્યાપક સ્તરે ચલાવાશે. જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનર દ્વારા વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓની 1200 થી વધુ તિરંગા યાત્રાઓને અત્યાર સુધીમાં સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. યુનિવર્સિટીઓ, શાળા-કોલેજો, ધાર્મિક સંસ્થાઓ અને નવી બનેલી મહાનગરપાલિકાઓ તેમજ નગરપાલિકાઓ પણ આ રાષ્ટ્રીય પર્વમાં ઉત્સાહભેર જોડાશે.

‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ ની થશે ખાસ ઉજવણી

દેશની સુરક્ષા માટે શહાદત વહોરનાર વીર જવાનો અને તેમના પરિવારો પ્રત્યે આદર વ્યક્ત કરવાના આ અભિયાનમાં 14 ઓગસ્ટના રોજ સવારે તમામ જિલ્લા મથકો પર સન્માનપૂર્વક ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ નો ખાસ કાર્યક્રમ પણ યોજવામાં આવશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.